સુરતના વેસુ વિસ્તારમાં વધુ એક બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. રોડ પર પરિવાર સાથે સૂતેલી બે વર્ષની બાળકીને પસાર થઈ રહેલ ડમ્પરચાલકે અપહરણ કરી લઈ ગયો હતો. દરમિયાન પેટ્રોલિંગ પર પસાર થતી પીસીઆરમાં મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારની મદદ કરી હતી. આરોપી ડમ્પરચાલકને ઝડપી પાડ્યો હતો. જોકે ડમ્પરચાલક ઝડપાય એ પહેલાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની હાલ માહિતી મળી રહી છે. વેસુ પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓને કારણે તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. વધુ એક બે વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના બનવા પામી છે. સુરતના વેસુ-સિટીલાઈટ વિસ્તારમાંથી બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર રોડ પર સૂતો હતો. દરમિયાન રાત્રે પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પરચાલકે દુષ્કર્મના ઇરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કરી ઉપાડી ગયો હતો.
નરાધમ બાળકીને ઉપાડી મગદલ્લા નજીકની ખુલ્લી અવાવરૂં જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ડમ્પરચાલક બાળકીનું રસ્તા પરથી અપહરણ કરી લઈ જઈ રહ્યો હતો. ત્યારે તેની બાજુમાં સૂઈ રહેલી તેની મોટી બહેનની ઊંઘ ઉડી ગઈ હતી. તેણે તેની નાની બહેનને કોઈ ઉપાડી જતા જોઈ બૂમાબૂમ કરી દીધી હતી અને માતાપિતાને જગાડી દીધાં હતાં. મજૂર-શ્રમિક દંપતીએ પોતાની માસૂમ બાળકીને બચાવવા રોડ પર દોડાદોડી કરી હતી. માસૂમ દીકરીને ઉપાડી લઈ જનારનો દોડીને પીછો પણ કર્યો હતો, પરંતુ તેની સુધી પહોંચાય એ પહેલાં જ નરાધમ બાળકીને લઈને ભાગી ગયો હતો. માસૂમ બાળકીનું અપહરણ થઈ જતાં પરિવાર બેબાકળો બની ગયો હતુો અને રાત્રિએ મદદની આશ માટે અટવાઈ રહ્યું હતું. અપહરણ કરી ઉપાડી જનાર ડમ્પરચાલક પાસેથી માસૂમને શોધી પરત મેળવવા માટે પરિવાર મદદની આશ લગાવી રહ્યો હતો. પરિવારે પોલીસને સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી પીસીઆર વાન ત્યાંથી પસાર થઈ હતી.
પીસીઆરમાં પેટ્રોલિંગ કરતાં મહિલા હેડ કોન્સ્ટેબલે શ્રમિક પરિવારને સાંભળ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. મહિલા પોલીસ-કોન્સ્ટેબલ અને પોલીસ કંટ્રોલરૂમની સતર્કતાને લઇ પોલીસ અપહરણ કરાયેલી બાળકી સુધી પહોંચી શકી હતી. મહિલા હેડ કોન્સ્ટેબલના સતર્કતાને કારણે માસૂમ બાળકીનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ મહિલા પોલીસ-કોન્સ્ટેબલ દ્વારા કંટ્રોલરૂમમાં કરાતાંની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. શ્રમિક પરિવારે જે પ્રકારે વિગત આપી હતી એ મુજબ અને એ દિશામાં પોલીસે માસૂમ બાળકીને શોધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મહિલા કોન્સ્ટેબલની કામગીરીને કારણે નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ શરૂ કરતાં સૂમસામ વિસ્તારમાં મગદલ્લા કેનાલ રોડ પર બિનવારસી હાલતમાં ડમ્પર રસ્તા પર મળી આવ્યું હતું, જેની પોલીસ દ્વારા તપાસ કરાતાં તેમને માસૂમ બાળકી કેનાલ રોડ પાસેથી મળી આવી હતી. પોલીસે ડમ્પરના ડ્રાઇવરને પણ ત્યાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસની સતર્કતાને કારણે બાળકીનો જીવ બચી ગયો છે. નરાધમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવાની ફિરાકમાં હતો. ઘટનાની ગંભીરતા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આખી રાત તપાસમાં જોતરાયા હતા. પોલીસ દ્વારા બાળકીને સૂમસામ જગ્યાએથી શોધી કાઢ્યા બાદ તેને તાત્કાલિક સારવાર અને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલ મોકલી હતી, જ્યાં તબીબ દ્વારા બાળકીનું પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે બાળકીને તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ છે.
નરાધમે બાળકીનું અપહરણ કરી લીધા બાદ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે અને બાળકીના ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચાડી છે. પોલીસે નરાધમ ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટનાને લઇ પોલીસની ત્વરિત કામગીરી દ્વારા આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ત્યારે આ અંગે ડીસીપી સાગર બાગમારેએ જણાવ્યું હતું કે સિટી લાઈટના અણુવ્રતદ્વાર પાસે ફૂટપાથનો વિસ્તાર છે. ત્યાં રહેતા પરિવાર સાથે બાળકી સૂતી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા ડમ્પર ડ્રાઇવરે આ બાળકીને ઉપાડી લઈ ગયો હતો. બાદમાં સુમસામ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બન્યો ત્યારે તેની આજુબાજુ ફરતી પોલીસની પીસીઆરની નાઈટ પેટ્રોલિંગ વાન પહોંચી હતી. આ પીસીઆર વાનના ઇન્ચાર્જ મહિલા કોન્સ્ટેબલ સુમિત્રાબેન હતા. બાળકીના માતા-પિતા અને અન્ય લોકોએ પીસીઆરને જાણ કરી હતી. મહિલા કોન્સ્ટેબલે બનાવની વિગત સાંભળી બાળકીના માતા પિતાને પીસીઆરમાં સાથે બેસાડીને વાહનનું વર્ણન કરેલ તેની શોધખોળ કરવા નીકળ્યા હતા. સાથે મહિલા કોન્સ્ટેબલે ઘટના અંગે કંટ્રોલમાં પણ જાણ કરી આખા સુરતમાં તે અંગેની નાકાબંધી કરાવી દીધી હતી. બાદમાં તાત્કાલિક અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. સી ટીમ પણ કામે લાગી ગઈ હતી. જે પ્રમાણેનું વર્ણન બાળકીના માતા પિતાએ કર્યું હતું તે પ્રમાણેનું વાહન એસ.કે નગરની બાજુમાં અવાબરૂ જગ્યાએ મળી આવ્યું હતું. જેની તપાસ કરતા બનાવના અડધો કલાકમાં જ નરાધમ સાથે બાળકી મળી આવી હતી. પોલીસે એસ.કે નગર પાસેથી દુષ્કર્મ કરનાર આરોપી અને બાળકીને શોધી કાઢી મહિલા કોન્સ્ટેબલે તાત્કાલિક બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
આરોપી સુરદીપ બાલકિશનની અટકાયત કરી હતી. જ્યાં તેની તપાસ કરતા જણાવવા મળ્યું હતું કે તે મૂળ દેવરીયા યુપીનો રહેવાસી છે અને ડ્રાઇવિંગનું કામ કરી રહ્યો છે. નરાધમ આરોપી સામે પોલીસે આઈપીસી કલમ ૩૬૩, ૩૬૫, ૩૭૬ અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે તેવો પણ પ્રયાસ કરી રહી છે.