ગુજરાતમાં વન બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યા ૩૪ કરોડ પહોંચી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજ્યના વન વિભાગ અને જન ભાગીદારીથી દર ચોમાસાની ઋતુમાં વન મહોત્સવ અને વિવિધ સ્થળોએ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામરૂપે રાજ્યમાં વન વિસ્તાર તેમજ વન વિસ્તાર બહારના વૃક્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે. વૃક્ષ ગણતરી અંદાજ-૨૦૧૭ મુજબ વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષની સંખ્યા ૩૪.૩૫ કરોડ થવા પામી છે એટલે કે, રાજયમાં પ્રતિ હેકટર ૨૨.૩૮ વૃક્ષ આવેલાં છે. જે છેલ્લાં દસ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૨૦ ટકાનો વધારો દર્શાવે છે, તેમ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રીની કચેરી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના વર્ષ-૨૦૧૭ના અહેવાલ પ્રમાણે રાજ્યમાં કુલ ફોરેસ્ટ કવર વર્ષ-૨૦૧૫માં ૧૪,૬૬૦ ચો. કિ.મી. હતુ જે વર્ષ ૨૦૧૭માં ૧૪,૭૫૭ ચો. કિ.મી. થયુ છે. માત્ર બે જ વર્ષમાં ૯૭ ચો. કિ.મી.નો વધારો નોંધાયો છે. વન વિસ્તાર બહારના વૃક્ષ આચ્છાદિત વિસ્તાર રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તાર ૪.૦૯ ટકા જેટલો થાય છે. જે દેશના ૨.૮૨ ટકા કરતા ઘણો વધારે છે. જે દેશના બે રાજ્યો ગોવા અને દિલ્હીને બાદ કરતા સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા ક્રમે છે.

આ ઉપરાંત વન વિસ્તાર બહારનો વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ૮,૦૨૪ ચો. કિ.મી. છે. આમ રાજ્યના કુલ વન વિસ્તાર ૨૨,૭૮૧ ચો. કિ.મી. થયો છે. જે રાજ્યના ભૌગોલિક વિસ્તારના ૧૧.૬૧ ટકા જેટલો છે. રાજ્યના મેન્ગ્રુવ (ચેર) વિસ્તાર જે વર્ષ ૨૦૦૧માં ૯૧૧ ચો. કિ.મી. હતો તે વર્ષ-૨૦૧૭માં ૧૧૪૦ ચો. કિ.મી. થયો છે. સમગ્ર દેશમાં મેન્ગ્રુવ વિસ્તારમાં સતત વધારો કરતું એક માત્ર રાજ્ય ગુજરાત છે.

વર્ષ-૨૦૧૭ની વૃક્ષ ગણતરી મુજબ અગ્રેસર પાંચ જિલ્લાના અગાઉના વર્ષની સરખામણીમાં વન વિસ્તાર બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં આ મુજબ વધારો થયો છે.

જિલ્લાનું નામ૨૦૦૯ની વૃક્ષ ગણતરી૨૦૧૩ની વૃક્ષ ગણતરી૨૦૧૭ની વૃક્ષ ગણતરી
મહેસાણા૨૨૩.૪૭૨૨૬.૯૫૨૫૫.૦૯
સુરત૧૩૮.૬૦૧૪૬.૮૮૧૩૮.૯૦
પંચમહાલ૬૯.૬૩૯૮.૭૮૧૨૬.૨૪
અમદાવાદ૬૫.૧૨૬૬.૪૧૫૧.૧૪
નર્મદા૨૨.૪૨૨૫.૭૨૪૧.૪૭
Share This Article