શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ૫ થી ૧૩ જૂન સુધી રાત્રે ૮-૩૦ થી ૧૦-૦૦ શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની નવ દિવસીય પારાયણ યોજાશે. કથામૃતનું પાન શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી કરાવશે.
આ પ્રસંગે પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ પારાયણની વિશિષ્ટતાએ છે કે, આ પારાયણની અંદર જીવનપ્રાણ બાપાશ્રી – સદગુરુ ઇશ્વરચરણદાસજી સ્વામી – જીવનપ્રાણ સ્વામીબાપાની ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવેલ છે. અને કથામાં આવતાં પ્રસંગો શ્રોતાઓને સારી રીતે સમજાય તે માટે શ્રાવ્યની સાથે સાથે દ્રશ્ય ફોર્મેટની દેખાડવામાં પણ આવનાર છે.
શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની અંદર જીવનપ્રાણ બાપાશ્રીનું જીવન કવન વર્ણવામાં આવેલું છે. આ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના દરેક સિધ્ધાંતોનું છણાવટ પૂર્વક વિવેચન કર્યું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સિધ્ધ કરવાનું સરળ ભાષામાં માર્ગદર્શન કરવામાં આવેલ છે. આ ગ્રંથની રચના કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની આજ્ઞાથી કરેલ છે.