શનિવારના એ દિવસે બરોબર સાજના પાંચ વાગ્યા હતા. અને મંચ પર સંચાલકને આભારવિધિ કરવા માટે બોલાવવાના જ હતા ત્યાં ધોરણ 10ની વિદાય સમારંભના ટોળાં માંથી એક છોકરો પૂરા નમ્ર ભાવે મારી પાસે આવીને મને કહે “સાહેબજી એક બે મિનિટ માટે મને માઇક મળી શકશે? મારે કૈંક કહેવું છે, આજે શાળાનો છેલ્લો દિવસ છે, પછી ના જાણે ક્યારે આવી રીતે સમારંભમાં બોલવાની તક મળશે!! “મને મનોમન થયું કે એવું તે શું કહેવું છે આ છોકરાએ કે એણે મને આટલી આજીજી કરવી પડે છે? અને મેં માત્ર “2 જ મિનિટ હોં ..” એમ કહીને માઈક આપ્યું.
છોકરાએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. એણે કીધું કે મારૂ નામ અજય છે, છેલ્લા છ વર્ષથી આ શાળામાં હું ભણુ છુ, અમારા ગામડામાં ચાર ધોરણ સુધીની જ શાળા છે એટલે ચોથા ધોરણ પછી વધુ અભ્યાસ કરવા હું શહેરમાં આવ્યો. શહેરમાં આવતા જ મેં પાંચમાં ધોરણથી આ શાળામાં પ્રવેશ કર્યો છે , આ શાળાનું પૂરું સરનામું પણ મને નહોતી ખબર ત્યારે મારા મિત્ર રમેશે મને આ શાળાનો દરવાજો બતાવ્યો હતો . છેલ્લા છ વર્ષથી હું અને રમેશ સાથે જ ભણીએ છીએ, અને સાથોસાથ ખુબ જ મસ્તી કરીએ છે, અમે સાથે જ શાળાએ આવીએ છીએ, સાથે સાથે હોમવર્ક પણ કરીએ છીએ, અમારી મૈત્રી આખી શાળામાં પ્રખ્યાત છે, પણ છેલ્લા 15 દિવસથી કોઈ નાની અમથી વાતને લઇને અમે બેઉ એકબીજા સાથે ઝગડી પડ્યા. અને ઝગડો અબોલા માં પરિણ્મો, થોડા દિવસ પછી મને સમજાયું કે ભૂલ મારી જ હતી, સાચું કહું તો ઝગડાની એ રાત્રે મને સમજાયું કે મે રમેશ સાથે ઝગડી ને મોટી ભૂલ કરી છે . વાંક મારો જ હતો, મારે આમ કરવા જેવુ નહતું, પણ એ માફી માગવા હું થોડી શરમ અનુભવતો, એમ કરતા કરતાં આજે 15 દિવસ થઈ ગયા અને આજે શાળાની વિદાય દિવસ છે, રમેશ પણ અહીં આ ટોળાંમાં બેઠો છે, ત્યારે હું આ તકને છોડવા નથી માંગતો, અને પૂર્ણ હદયપૂર્વક હું એને સોરી કહેવા માંગુ છુ, ‘રમેશ મારી ભૂલ થઈ ગઈ હવે મને માફ કરી દે’ … એમ કહેતા કહેતાતો અજય ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યોં .. સામે છેડેથી રમેશ દોડીને આવ્યો અને મંચ પર બેઠેલા બધા જ શિક્ષકોની સામે તે પોતાના ભાઈબંધને ભેટી પડ્યો, અને ખુલ્લામન થી એકબીજાની ભાઈબંધીએ એકબીજાને માફ કરી દીધા… સ્ટેજ પર બેઠેલા દરેક શિક્ષકની આખોમાં પાણી આવી ગયા, અને નાના છોકરાઑ ની આટલી સંબધો પ્રત્યેની પ્રમાણિક્તાએ સૌને વિચારતા કરી દીધા,,
આ કિસ્સો આજે એટલે યાદ આવ્યો કારણ કે આજથી પ્રયુષ્ણ શરૂ થયા અને સૌ એકબીજાને ‘મિચ્ચ્છામી દુક્ડ્ડમ’ કહી આખા વર્ષ દરમ્યાન કોઈને પણ મન, કર્મ, વચન, કે વ્યવહાર બાબતે હાનિ પહોંચી હોય તો પૂરા દિલથી માફી માંગી લે છે. હું જ્યારે જ્યારે આ પર્વ વિશે વિચારું છુ ત્યારે થાય છે કે શું કોઈની માફી માંગી લેવી આટલી સરળ હોય છે?
માફી માગનાર મોટો હોય છે કે માફ કરી દેનાર? શાળાના એ કિસ્સાને વાગોડતા થયું કે માફી એ વ્યક્તિના જીવનની એક જણસ હોય શકે, ભૂલ બધાથી જ થતી હોય છે પણ ભૂલ ને માફ કરી દેનાર જ મોટો હોય છે, જો મોટા થવું છે તો લોકોને માફ કરતાં શીખવું પડશે, ભગવાન ઇસુએ પોતાના દુ:ખ આપનાર લોકો માટે પણ ઈશ્વર ને પ્રાથના કરીને કીધું કે ઈશ્વર તેમને માફ કરે, માફી આપનાર પોતાની આ શક્તિને લીધે જ વધુ મહાન બની જતો હોય છે, અસંખય દુખો આપ્યા બાદ પણ જો દુઃખ આપનારને માફ કરી દેવામા આવે તો સમજજો કે તમે તમારી જાત ને વધુ ઊંચા સ્તરે લઈ જઇ રહ્યા છો.
ભૂલોનો સ્વીકાર અને એ બદલ માફી માંગવાનુ મૂલ્ય ખરેખર આપણે શીખવા જેવુ છે. આ ઉપરાંત આપણી સાથે કોઈ અયોગ્ય વર્તન કરે અને તેને માફ કરી દેવું એ પણ અગત્યનું છે. જિંદગીના અગત્યના ત્રણ શબ્દો આખી જિંદગીને સરળ બનાવી શકે છે. અને એ ત્રણ શબ્દો છે ‘મને માફ કરજો’.. માફી માગવાનુ કામ આપણે જેમ જેમ મોટા થતાં જઈએ છીએ તેમ તેમ મુશ્કેલ થતું જાય છે કારણકે ભૂલ કરી શકાય છે પણ ભૂલની કબૂલાત કરી માફી માંગવાનુ કદાચ આપણને નથી ફાવતું. ક્યારેક ક્યારેક તો આપણને એ પણ નથી સમજાતું કે માફી કેવી રીતે માંગવી. માફી લોકોને ભારવિહોણા કરીદે છે. અને માનવીય સંબંધોમાં એક સુગંધ લહેરાઈ જાય છે. માફી એક મુક્તિનો અહેસાસ છે. તેનો ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો તે જીવનને એક અદભુત અનુભવ તરફ દોરી જાય છે. માફી આપનાર વ્યક્તિ માફી માગનાર જેટલોજ મહાન અને શક્તિમાન છે. માફી માગવા માટે નમ્રતા જોઈએ અને માફી આપવા ઉદારતા. નારાજ થવાનો તમને હક હોવા છતાં નારાજ ના થવું અને તમે બદલો લઈ શકવા પૂરી રીતે સક્ષમ હોવા છતાં બદલો ન લેવો એનું નામ ક્ષમા. ખરેખર મેચ્યોર (પરિપક્વ) માણસ એ જ છે કે જેના હદયમાં ક્ષમાભાવ છે.
મહાત્મા ગાંધીએ બહુજ સરસ વાત રજૂ કરી છે તેમણે જણાવ્યુ છે કે ‘ક્ષમા કાયરો માટે નથી.’
નોબલ શાંતિ પુરસ્કારવિજેતા નેલ્સન મંડેલા ક્ષમા વિષે જણાવતા કહે છે કે ‘જેમ તડકો નીકળતા પાંદડાં પર જમા થયેલા ઝાકળની સાથે સાથે ધૂળ, માટી પણ સાફ થઈ જાય છે અને પાંદડાં ચમકદાર દેખાવા લાગે છે એજ રીતે ક્ષમા કરવાની પ્રક્રિયા આપણાં મનમાં રહેલા મેલને ધોઈ નાખે છે મન દ્વેષ, ઈર્ષા, ક્રોધ અને પાપથી મુક્ત થઈને નિર્મળ બની જાય છે.