સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એ સંસારની વાસ્તવિકતા છે. સુખ પણ કાયમ ટકતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું નથી. જીંદગીમાં સુખ મળે તો છકો નહીં, અને દુઃખ આવે તો રડો નહીં. જે પરિસ્થિતિ આવે તેને સ્વીકારો અને તેમાં આનંદ માનો અને તમારા કાર્યને સિધ્ધ કરો.
આવડે મહેંકાવતાં તો જીંદગી ગુલઝાર છે.
ઓળખો તો રોશની, ન ઓળખો તો અંધાર છે.
છે પુષ્પ મઘમઘ થતું ને ચાંદની પણ એ જ છે.
સેજ છે ફૂલો તણી, તલવારની એ ધાર છે.
આવડે મહેંકાવતા તો જીંદગી ગુલઝાર છે.
આ સાર રૂપ શબ્દો આપણને સમજાવ્યા છે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ. આ થોડા શબ્દો ઘણું કહી જાય છે.
છે જીંદગી આપણ સહુ તણી, તો ગંજીપાના બાવન પાના છે;
મળે ન પાનાં કાંઈ મનગમતાં, લેવાં પડે છે ચીપમાં મળતાં.
જેમ પત્તાં રમનારને ક્યારેય એક સરખાં સારાં પત્તાં મળતાં નથી જે ચીપમાં આવે તે લેવાં જ પડે છે. તેમ વર્ષનાં બાવન અઠવાડીયાં છે તેમાં અમુક અઠવાડીયાં સુખનાં હોય તો અમુક દુઃખનાં હોય પણ સહર્ષ તેનો સ્વીકાર કરવો જ રહ્યો. જેમ દિવસ પછી રાત્રી આવે અને રાત્રી પછી દિવસ આવે. જેમ સિક્કાની બે બાજુઓ છે તેમ સુખ અને દુઃખ જીવનમાં આવ્યા જ કરવાનાં છે તેમાંથી એકપણ સ્થિર નથી. માટે જ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સમજાવે છે.
એક રાજા હતો તેનું રાજ્ય સારી રીતે ચાલતું હતું અને તે પૈસે ટકે સુખી હતો. તેના દરબારમાં એક વખત એક મહાત્મા આવ્યા. રાજાને થયું જે મહાત્માની સારી રીતે સેવા ચાકરી કરું તો મહાત્મા પ્રસન્ન થાય ને આશીર્વાદ આપે ને મારું રાજ્ય સમૃધ્ધ અને ચિરસ્થાયી બને. એમ વિચારી મહાત્માની સેવા કરવા લાગ્યો.
મહાત્માએ તેનો આશય જાણીને કહ્યું જે તું દુન્યવી સુખને સુખ માને છે પણ તે સાચું સુખ નથી, નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ બને છે. આ સંસારનાં સુખ અને દુઃખ એ ચિરસ્થાયી રહેવાનાં નથી. આમ મહાત્માએ તેને બહુ બહુ સમજાવ્યું પણ તેને તે વચન મનાયાં નહિ. પછી તે રાજાનો અતિ આગ્રહ જાણી મહાત્માએ બે ચિઠ્ઠીઓ લખીને તેને આપી અને કહ્યું જે આ બન્ને ચિઠ્ઠીઓ સોના તથા ચાંદીના જુદા – જુદા માદળિયાંમાં મૂકીને તે માદળિયાં હાથે બાંધજે અને જ્યારે તું બહુ આપત્તિમાં કે દુઃખમાં આવે ત્યારે ચાંદીનાં માદળિયાંવાળી ચિઠ્ઠી વાંચજે અને બહુ સુખમાં હોય ત્યારે સોનાનાં માદળિયાંવાળી ચિઠ્ઠી વાંચજે. એમ કહી મહાત્મા ચાલ્યા ગયા.
એક દિવસ તે રાજા હિંડોળા ખાટે બેસી સુખ શાંતિથી હીંચતો હતો. ત્યારે તેને એકાએક યાદ આવ્યું કે, મને મહાત્માએ કહ્યું હતું કે જે સુખમાં હોય ત્યારે આ સોનાનાં માદળિયાંવાળી ચિઠ્ઠી કાઢીને વાંચજે. તેથી તેણે સોનાનાં માદળિયાંવાળી ચિઠ્ઠી કાઢીને વાંચી તો અંદર લખેલું હતું જે ‘યે દિન ભી જાયેગા.’ રાજા તો અફસોસમાં ડૂબી ગયો કે શું મારા સુખના દિવસો ચાલ્યા જશે ? મનુષ્ય જેવા વિચાર કરે તેવો તે થાય.
થોડા વખત પછી બીજા દેશનો રાજા ચઢી આવ્યો ને તેના નગરને ઘેરો ઘાલી દીધો એટલે તેના જાસૂસોએ કહ્યું કે હે રાજન્ ! ભોયરાંમાંથી બહાર નીકળી તમે જંગલમાં જતા રહો. તો જ તમે ઉગરશો. રાજાએ તે પ્રમાણે કર્યું. બીજી બાજુ ચડાઈ કરનાર રાજાએ રાજ્ય લઈ લીધું.
જંગલમાં ત્યાં તેને ખાવા પીવાનું કાંઈ ન મળતાં તે દુઃખી દુઃખી થઈ ગયો. તેવામાં તેને મહાત્માનું વચન યાદ આવ્યું જે દુઃખમાં હોય ત્યારે આ ચાંદીનાં માદળીયાંવાળી ચિઠ્ઠી વાંચજે. તરત તેણે તે ખોલીને વાંચી. તેમાં લખ્યું હતું જે ‘યે દીન ભી જાયેગા’ તે વાંચીને રાજા હિંમતમાં આવી ગયો જે મારા દુઃખના દિવસો પણ ચાલ્યા જશે. પછી હિંમતભેર દિવસો પસાર કરવા લાગ્યો. સૈન્ય એકત્રિત કર્યું અને બધાએ પુરુષાર્થ કર્યો અને શત્રુ રાજાના સૈન્યને પાછું હઠાવી દીધું અને પોતાનું રાજ્ય પાછું લઈ લીધું. રાજા પાછી રાજગાદીએ વિરાજમાન થયા. પછી રાજાએ દુન્યવી સુખને આવું નાશવંત અને દુઃખનું કારણ જાણ્યું.
પછી નક્કી કર્યું જે આ લોકની વસ્તુ માટે ધડાપીટ ન કરવી ભગવાન જેમ રાખે તેમ રહેવું. અને દેખાડે તે જોવું પછી પોતાનું જીવન ભગવાન્મય કરી અને ધનસંપત્તિ ધર્મકાર્ય માટે વાપરવા લાગ્યો.
આ રાજાના જીવનમાં જેમ સુખ અને દુઃખ બંને વારાફરતી આવ્યાં તેમ આપણા જીવનમાં પણ સુખ-દુઃખ આવતાં રહે છે અને આવશે જ. ખરેખર આ વાસ્તાવિકતા પંક્તિમાં સરસ રીતે સમજાવતાં કહ્યું છે કે,
આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણ કલેશ;
પણ તેનો ધારીયે નહીં, વિષાદ ઉરમાં લેશ.
ઉંચી નીચી થયા કરે, જીવનની ઘટમાળ;
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
આકાશ સદાય નિર્મળ રહેતું નથી. તેમ જીવનમાં સદાય સુખ કે દુઃખ સદાય સ્થિર રહેતું નથી. દરિયામાં ભરતી અને ઓટ આવ્યા કરે છે તેમ આપણા જીવનમાં પણ સુખ અને દુઃખની ઓટો આવતી જ રહેવાની છે. માટે જીવનમાં સુખ અને દુઃખ તો આવવાનાં જ છે એ પરિસ્થિતિમાં આપણે આપણી જીંદગીના દિવસોને સુખ રૂપે વીતાવી શકીએ એવી સમજણ કેળવીએ. જીંદગી તો દરેકને મળી છે પણ તેને આપણે કેવી રીતે જીવીએ છીએ તેના ઉપર સુખ અને દુઃખનો આધાર છે.
– શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી કુમકુમ