સુરત: ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન મહિલાઓ માટે આશિર્વાદરૂપ બની રહી છે. સુરત અભયમ ટીમની કામગીરીનો એક પરપ્રાંતીય યુવતીને સુખદ અનુભવ થયો હતો. વાત જાણે એમ છે કે, તાજેતરમાં સુરતમાં એક બિનગુજરાતી યુવતીનો ૧૮૧ હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે તે હાલમાં જ્યાં કામ કરે છે તેનો માલિક તેને અવારનવાર હેરાન-પરેશાન કરે છે, અને તેનો બાકી નીકળતો પગાર ચૂકવતો નથી. જેથી મદદ માટે ૧૮૧ ને વિનંતી કરી હતી. કોલ મળતા જ કતારગામ પોલિસ સ્ટેશન સ્થિત અભયમ ટીમ રેસ્ક્યુ વાન સાથે તાત્કાલિક દર્શાવેલ સ્થળ પર પહોંચી જઈ માલિકને સમજાવી યુવતીને હેરાનગતિમાંથી મુક્ત કરાવી તેનો બાકીનો રૂ.૧૯,૦૦૦ પગાર અપાવ્યો હતો.
મૂળ સિક્કિમની આશા (નામ બદલ્યું છે) રોજગારી માટે સુરત આવી હતી. થોડા દિવસોમાં તેને એક થેરાપી સેન્ટરમાં જોબ મળી ગઈ હતી. કેટલોક સમય કામગીરી સારી ચાલી. પરંતુ થેરાપી સેન્ટરનો માલિક નાની એવી વાતોમાં હેરાન-પરેશાન કરવા લાગ્યો. એક વાર માલિકે તેને કહ્યું કે દર્દીઓ માટેના એક મસાજ પાર્લરમાં તમારી બદલી કરવામાં આવે છે. પરંતુ આશાને મસાજનું કામ પસંદ ન હોવાથી તેણે આ કામ કરવાનો ઇન્કાર કર્યો. આ સાંભળી તેના માલિકે તેને ખૂબ ડરાવી-ધમકાવી અને બાકી નીકળતો પગાર આપ્યા વિના નોકરીમાંથી કાઢી મૂકી હતી.
આશા સિક્કિમની રહેવાસી હોવાથી સુરતમાં તેના કોઈ નજીકના સંબંધી ન હતા. તેને પગારના નાણા મળે તો જ સુરતથી પોતાના વતન પરત જઈ શકે તેમ હતી. પરંતુ વારંવારની માંગણી અને વિનંતી કરવા છતાં તેના માલિકે પગારની રકમ આપવાની ચોખ્ખી ના પાડી. કોઈએ તેને ૧૮૧ વિષે માહિતી આપીને મદદ માટે કોલ કરવા જણાવ્યું. આખરે છેલ્લા પ્રયાસરૂપે તેણે અભયમ પર કોલ કરી સમગ્ર હકીકત જણાવી.
૧૮૧ ટીમ દ્વારા તેના માલિક સાથે મધ્યસ્થી દ્વારા ચર્ચા કરી અને સમજાવ્યું કે, આશાને નવું કામ કરવાની ઇચ્છા નથી, તેથી જબરદસ્તીથી કામ ન કરાવી શકાય. માલિકે બહાના બતાવતાં અભયમ ટીમે લાલ આંખ કરતાં કહ્યું કે, જો તેનો બાકીનો પગાર ચૂકતે કરો નહીં તો તમારી સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. છેવટે થેરાપીના માલિકે પોતાની ભૂલ કબૂલ કરી અને બાકીનો પગાર રોકડેથી ચૂકવી માફી માંગી હતી. આશાએ ૧૮૧ હેલ્પલાઇનનો ત્વરિત મદદ કરવા બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો.
આશાએ પોતાના વતન સિક્કિમ પાછા ફરવાનું હોવાથી થેરાપી સેન્ટરના માલિક વિરુદ્ધ કોઈ ફરિયાદ આપવી નથી તેમ જણાવતાં અભયમે તેને શક્ય તેટલી મદદ કરીને વતન પરત ફરવાની કાર્યવાહી કરી હતી.
આમ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓ માટે આધાર સમાન બની રહી છે. વિકટ પરિસ્થિતિમાં સ્ત્રીઓની વ્હારે આવીને અભયમ ઉમદા કામગીરી બજાવી રહી છે.