હેલ્લો ફ્રેન્ડ્સ સોશિયલ મીડિયા એટિકેટ્સનાં પહેલા ભાગમાં આપણે એકબીજાને અભિનંદન કેવી રીતે પાઠવીએ છીએ તે જોયુ…આ એપિસોડમાં આપણે ફોટો એટીકેટ્સ વિશે વાત કરીશું.
કિશનલાલ મનાલી જઈને આવ્યા…. સમાજ અને પાડોશમાં રહેતા તમામ લોકોને ખબર છે કે છેલ્લા પાંચ દિવસમાં કિશનલાલે મનાલીમાં શું કર્યું. કેમકે છેલ્લા પાંચ દિવસમાં કિશનલાલે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧૦૦ થી વધુ ફોટા અપલોડ કર્યાં છે, એટલું જ નહીં અમદાવાદથી મનાલી સુધીનાં દરેક સ્ટેશને ચેક ઈન કરીને ફોટો મૂકયા છે. રસ્તામાં આવતા દરેક કૂતરાં, વાંદરા, થાંભલા અને વાદળોનાં ફોટા પણ તેમણે મૂક્યા છે. હવે કિશનલાલ દરેકને વોટ્સએપ કરીને કહે છે કે મારે ફેસબૂકમાં ૨૦૦ લાઈક કરવાનાં છે તો પ્લીઝ તમે બધા લાઈક કરો….આ લાઈકનું આપણાં જીવનમાં આટલુ બધુ મહત્વ છે? શું કિશનલાલે માત્ર એ – બે કે ચાર ફોટા મૂક્યાં હોત તો આપણે શક કરવાના હતા કે તેઓ મનાલી ગયા છે કે નહીં…!!!
રાશી અને મોહિતનાં લગ્ન થયા અને હનિમૂન પર બાલી ગયા…વિદેશ ફરવા ગયા અને ત્યાંની ફેમસ જગ્યાનાં ફોટા સોશિયલ મીડિયા પર મૂકે તે સારી વાત છે, પણ સાવ આવા અંગત ફોટો જોઈને સમજાયું નહીં કે તેઓ ફોટામાં શું બતાવવા માગતા હતા બાલી કે…….
આજકાલ દરેક પાસે સ્માર્ટફોન છે જેમાં ફોટો સિલેક્શન અને એડિટની પણ ફેસિલિટી હોય છે. પહેલા જેવા કેમેરાનાં રોલ નથી હોતા કે જે ફોટા પડી ગયા તેવા જ મૂકવા પડે. તે છતાં લોકો બ્લર ફોટા અથવા તો સબ્જેકટથી આઉટ હોય તેવા ફોટા પણ સાથે સાથે મૂકી દે છે.
કેટલાક લવરમૂછીયા તો જેટલીવાર દાઢી કરાવી હોય તેટલી વાર તેના જૂતા સાથેનાં ફોટો અપલોડ કરે અને નીચે લખે કે માય સ્વેગ લૂક.
રમીલામાસી જ્યાર પણ કોઈ લગ્ન પ્રસંગમાં જાય ત્યારે અઢધી વિધી, જમણવાર, કન્યાપક્ષ અને વરપક્ષનાં ફોટા મૂકે…ક્યારેક તો મંડપ ડેકોરેશનવાળાનાં ફોનનંબર વાળા ફોટા પણ મૂકે. એ ફોટા જોઈને આપણને એવુ મહેસૂસ ન થાય કે આપણે તે લગ્નમાં હાજરી ન આપી.
સૌથી વધુ દુ:ખી તો જ્હાન્વીભાભી છે કેમકે તેમનાં સાસરિયામાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફોટો મૂકે તો લાઈક કરવાની ફરજ પાડવામાં આવે છે. જો ફોટો લાઈક ન કરે તો વાત રીસામણા મનામણા સુધી પહોંચી જાય અને સંબંધ બગડે.
કરકસરવાળા દોશી સાહેબનો ચિન્ટુ તો ગુજરાતની બહાર ક્યાંય પણ જાય ધરમશાળામાં જ રોકાય અને આસપાસની સારી ફાઈવસ્ટાર હોટલનો ફોટો મૂકીને ચેક ઈન કરી દે… એટલુ જ નહીં મમ્મીની એટલી બીક કે જ્યાં પણ જાય ત્યાંથી રોજ જે જમ્યા હોય તે થાળીનો ઈનસ્ટા પર ફોટો મૂકે અને નીચે લખે કે ફૂડ ઈઝ ઓસમ…!!!
સૌથી ભયંકર તો એક્સિડેન્ટનાં સેલ્ફીનો ક્રેઝ છે. જો તમે રસ્તામાં ક્યાંય ભટકાયા અને પડ્યા તો ઉભુ પછી થવાનું અને પહેલા સેલ્ફી લઈ સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેવાનો વીથ હેશટેગ ફીલિંગ સેડ….
એકવાર એક છોકરો હાથ ધોયા વગર જમવા બેસતો હતો ત્યારે તેની મમ્મીએ જોરથી બૂમ પાડી. ચિન્ટૂ ઉભો રહે …કેટલીવાર કહ્યું છે કે પહેલા થાળીનો ફોટો પાડીને ઈનસ્ટા પર મૂકવાનો પછી જ જમવાનું….!!!