બૅન્ક કર્મચારીઓની પગાર વધારા સહિતની જુદી જુદી માગણી અંગે કેન્દ્ર સરકાર અને ઇન્ડિયન બૅન્ક એસોસિયેશન બારેક મહિનાથી કોઈ જ નિર્ણય ન લેતી હોવાથી રોષે ભરાયેલા કર્મચારીઓ ૩૦મી અને ૩૧મી મેએ રાષ્ટ્રીયકૃત બૅન્કના ગુજરાતના કર્મચારીઓ સહિત દેશભરના કર્મચારીઓ બે દિવસની હડતાલ પાડશે. કેન્દ્ર સરકારની સૂચના મળે તે પછી જ આઈબીએ કર્મચારીઓની માગણી અંગે નિર્ણય લઈ શકે છે. પહેલી નવેમ્બર ૨૦૧૭થી મળવા પાત્ર પગારનો વધારો આપવાનું કેન્દ્ર સરકાર ટાળી રહી છે.
ઇન્ડિયન બૅન્ક એસોસિયેશનને તેમની માગણી પૂરી કરવા અને આ મુદ્દે સમાધાન કરવા માટે વારંવાર કરેલી રજૂઆત બહેરા કાને અથડાઈ છે. બૅન્ક એસોસિયેશન પણ માત્ર વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩માં આવતા કર્મચારીઓના પગાર વધારાને મુદ્દે જ વિચારવા તૈયાર છે. વર્ગ -૪થી વર્ગ -૭ સુધીના કર્મચારીઓના પગારમાં વધારો કરી આપવાને મુદ્દે કોઈ જ વિચાર કરવા તૈયાર નથી. છેલ્લા એક વર્ષમાં પગાર વધારાના પ્રશ્ને વારંવાર બેઠકો યોજાઈ તે છતાંય કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
ઇન્ડિયન બૅન્ક એસોસિયેશને પાંચમી મેએ જુદી જુદી બૅન્કોના કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે યોજેલી બેઠકમાં બૅન્કોની આર્થિક સ્થિતિ નબળી હોવાનું કારણ આગળ કરીને માત્ર બે ટકા પગાર વધારો આપવાની માગણી કર્મચારીઓને માન્ય નથી. તેથી ૩૦મી મે અને ૩૧મી મે બે દિવસ હડતાલ પાડવાનો બૅન્ક કર્મચારીઓએ નિર્ણય કર્યો છે. ભારત સરકારના ચીફ લેબર ઑફિસરે સ્ટ્રાઈક-હડતાલના એલાન પછી આ મુદ્દે બૅન્ક કર્મચારીઓ સાથે કાલે ચર્ચા વિચારણા કરી હતી. પરંતુ આ ચર્ચા વિચારણા ફળદાયી સાબિત થઈ નહોતી. કાલે યોજાયેલી આ બેઠકમાં ઇન્ડિયન બૅન્ક એસોસિયેશનના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.