રાશિદ ખાને ટી20iમાં રચ્યો ઇતિહાસ, આ પરાક્રમ કરનાર દુનિયાનો પહેલો બોલર બન્યો

Rudra
2 Min Read

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એવી સિદ્ધિ હાંસલ કરી છે, જ્યાં સુધી અત્યાર સુધી દુનિયાનો કોઈ બોલર પહોંચી શક્યો નથી. તે T20 ઇન્ટરનેશનલમાં 200 વિકેટ પૂરી કરનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. ગુરુવારે (29 ઑક્ટોબર) શારજાહમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી T20 સિરીઝની બીજી મેચમાં તાદીવાનાશે મારુમાનીને આઉટ કરતાં જ તેણે આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી હતી.

રાશિદ ખાને ઑક્ટોબર 2015માં ઝિમ્બાબ્વે સામે જ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં તે T20 ઇન્ટરનેશનલનો સૌથી સફળ બોલર બન્યો હતો. તે સમયે તેણે ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથીને પાછળ છોડ્યો હતો. હવે 200 વિકેટનો આંકડો પાર કરીને તેણે પોતાની બાદશાહત વધુ મજબૂત કરી છે. આ યાદીમાં ઇંગ્લેન્ડનો આદિલ રશીદ 171 વિકેટ સાથે બીજા સ્થાને છે.

આ મેચમાં અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝઈ અને ઇજાઝ અહમદ અહમદઝઈએ પણ ઇતિહાસ રચ્યો હતો. બંને ખેલાડીઓએ છઠ્ઠી વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ વિકેટ માટે અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. તેમણે આન્દ્રે રસેલ અને શેરફેન રધરફોર્ડની 139 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.

આ અફઘાનિસ્તાન તરફથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી પણ છે. આ પહેલાં મોહમ્મદ નબી અને ઇબ્રાહિમ ઝદરાન વચ્ચે 86 રનની ભાગીદારી થઈ હતી.

મેચમાં અફઘાનિસ્તાને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં 7 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. ઉમરઝઈએ 50 બોલમાં 116 રનની તોફાની ઇનિંગ રમી હતી, જ્યારે ઇજાઝ અહમદ અહમદઝઈએ 27 બોલમાં 52 રન બનાવ્યા હતા.

જવાબમાં ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી હતી. બ્રાયન બેનેટ અને ઇનોસન્ટ કૈયાએ પ્રથમ વિકેટ માટે 39 રન જોડ્યા હતા.

જોકે, ત્યારબાદ ઝિમ્બાબ્વેની ટીમે 84 રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન સિકંદર રઝાએ અણનમ 106 રન અને તફાદ્ઝવા ત્સિગાએ અણનમ 31 રન બનાવી છઠ્ઠી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. જોકે, તેમની આ મહેનત છતાં ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 202 રન જ બનાવી શકી હતી.

Share This Article