સફળ પેરેન્ટિંગ તરફ સાત પગલા… (ભાગ-૩)
મિત્રો, આપણે સફળ પેરેન્ટિંગ તરફ સાત પગલા..ના ગયા બે અંકમાં ચાર પગલા વિશે જાણ્યું હવે આ અંકમાં આગળ વધી સાતમાં પગલા સુધી વિશે વાત કરીશું.
૫. બાળકોને સમય આપો. :-
બાળકોને પોતાના માતાપિતા પાસેથી સમય જોઈતો હોય છે, માતા પિતા બાળકોને પોતાની ઈચ્છા મુજબનું વ્યક્તિત્વ તૈયાર કરાવવા ઇચ્છતા હોયતો માતાપિતાએ પણ બાળકની માનસિકતાને સમજવા માટે બાળક બનવું પાડશે, માતાપિતા બાળકો સાથે વાત કરવાનો સમય નહીં ફાળવે તો બાળક મોટું થઈને માતા પિતા માટે સમય નહીં ફાળવી શકે, કારણ કે એને જોયું છે કે ઘરનું વાતાવરણ આમ જ ચાલે છે, અને સાચું માનજો કે પરિવારને સમય ન ફાળવી શકવાનો એને કોઈ અફસોસ પણ નહીં હોય. મોબાઈલ અને ઇન્ટરનેટની બહાર પણ એક દુનિયા છે, જ્યાં તમારા બાળકો તમને ઝંખે છે, તમારી સાથે રમવા, કુદવા, મસ્તી કરવા, તમારા સહવાસમાં જીવવા તરસે છે, ત્યારે તેની આ વ્યાકુળતાને અવગણશો નહીં પછી ક્યાંક એવું ન બને કે બહું મોડું થઈ જાય.
આજે જો બાળકો બેબી સીટરમા ર્ઉછર્યું છે તે કાલે તમે વૃદ્ધાશ્રમમાં દિવસો વિતાવો તો તેમાં કઈંજ નવાઈ નહીં રહે, માતા પિતા બાળકોના દિશા સૂચક છે. બાળકોનો ઉછેર જેવી રીતે કરવામાં આવે તે રીતે તેનું ભવિષ્ય ઘડાય છે.
૬. લાગણીઓની કદર કરો :-
બાળકોનો વિકાસ લાગણીસભર થવો જોઈએ, તેના કાર્યો અને તેની પસંદ નાપસંદની કદર કરતાં મા-બાપે શીખવું પડશે, બાળકને પોતાના ઘર સિવાય લાગણીપૂર્વક્નો વ્યવહાર બહુ ઓછી જગ્યાએથી મળે છે. આથી બાળકોને લાગણી વ્યક્ત કરતાં પણ શીખવો, અને બાળકો પ્રત્યે લાગણી રાખતા પણ શીખો. માતા પિતાની જવાબદારી તરીકે આ ખૂબ જ અગત્યની બાબત છે કે તમે તેની સાથે લાગણી સભર વ્યવહાર કરો, જો બાળકને તમારી પાસેથી હમેશા ધુત્કાર, અપશબ્દ, ચિડચિડાપણું, કટુવચનો કે ગુસ્સો જ મળતો રહેશે તો તેની આવતીકાલ વિશે તમે કલ્પના કરી શકો છો.
યાદ રાખો કે કૂવામાં હોય તો હવાળામાં આવશે, જેવુ વાવશો તેવું લણવાનું છે તો પછી છોડનું સિંચન લાગણીસભર કેમ નહીં…!!!
માં-બાપે કરેલી કદર અન્ય લોકો કરતાં કૈંક વિશેષ હોય છે. તમારે તમારા બાળકના મેનેજર બનવાનું છે તેની પ્રતિભા અને તેની આવડતને કેવી રીતે કામે લગાડવીએ મેનેજ કરતાં તમારે પણ શીખવું પડશે.
૭. હકારાત્મક બાબતો શીખવો :-
સફળ માતા પિતા તેઓના બાળકને એક ઉમદા બાબત શીખવે છે કે તેવો જીવનને કેવી દ્રષ્ટિએ જોવું જોઈએ? તેઓ બાળકોને શીખવે છે કે જિંદગી ખૂબ જ સુંદર છે તેમાં સફળતા અને નિષ્ફળતા તો આવતી રહેવાની, આવી પરિસ્થિતીમાં આપણે કેવી રીતે અડગ ઊભા રહેવું તે શીખવાડે છે બાળકોને અભિમાન અને સ્વાભિમાન વચ્ચે ભેદરેખા છે એ સમજવું જોઈએ, બાળકોને શીખવો કે કોઈ પણ રમત ખેલદિલીની ભાવનાથી રમવી જોઈએ, તેઓને મહાન વ્યક્તિઓ અને શૌર્ય ગાથાઓથી અવગત કરવા જેથી કરીને તેમનામાં હકારાત્મક વલણોનું સિંચન થાય. બાળકોને એવો અહેસાસ કરવો કે દુનિયા મહદંશે સારા માણસોની બનેલી છે.
ચાઇલ્ડ સાયકોલોજી મુજબ મુગ્ધા અવસ્થામાં બાળક નકારાત્મક બાબતો તરફ ઝડપથી વધી જાય છે, ત્યારે માં-બાપ તેને હકારાત્મકતાના પાઠ શીખવે તે ખૂબ જરૂરી છે.
કુમળા છોળની ઊછળતી શક્તિઓને યોગ્ય કૌશલ્ય પ્રાપ્ત થાય તે ખૂબ જરૂરી છે. જો આ શક્તિઓને યોગ્ય માર્ગદર્શન નહીં મળે તો તે પોતાની જાતને સમાજ વિરોધી પ્રવૃતી તરફ ઢાળી દેશે. માટે તેમની રચનાત્મક અને કાર્યશીલ ટેવોને ઓળખો અને તેની સરાહના કરો.
બાળકોની કુટેવોને અવગણવાને બદલે તેને નજર સમક્ષ રાખી તેનામાં સારા ગુણો અને સત્યનિષ્ઠાનું બીજ રોપો. તેની પોતાની ભૂલોનો સ્વીકાર કરતાં શીખવો તેને દંભ વિના પોતાની વાતની રજૂઆત કરતાં શીખવો તેને એવું પણ શીખવો કે તેનાથી મોટી ઉંમરના લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. તેને સાચું બોલતા અને ઈમાનદારીના પાઠ શીખવો. બાળકે પોતે કરેલા અવિચારી કૃત્યોથી થયેલા પરિણામનો ખ્યાલ તેને આપો, અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પડાવો.
બાળકને મળેલું હકારાત્મક માર્ગદર્શન તેના જીવનના ડગલેને પગલે તેને મદદરૂપ સાબિત થશે પણ એ સારું માતાપિતાએ તે હકારાત્મક વિચારોનું ઉદાહરણ પોતાના તરફથી અમલમાં મુકવું પડશે, બાળકોને શું ન કરવું તે નહીં પણ શું કરવું તે શીખવો.
સમાપ્ત
નીરવ શાહ
જો આપને આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ કરી જણાવશો.
***