અમદાવાદઃ પાવન પુરષોત્તમ માસ નિમિત્તે શહેરના સેટેલાઇટ સ્થિત અગ્રવાલ ફ્લેટના રહિશો દ્વારા ૨૧ મેથી ૨૭મે સુધી શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અગ્રવાલ એપાર્ટમેન્ટ મહિલા ભજન મંડળ અને કમિટી મંડળની સહયોગથી ફ્લેટના પ્રાંગણમાં બપોરે ૩ કલાકથી સાંજે ૬ કલાક સુધી કરવામાં આવી રહ્યું છે.
આ સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથા જાણીતા કથાકાર શાસ્ત્રી અશ્વિનભાઇ પંડ્યાના સાનિધ્યમાં આયોજીત થઇ રહી છે અને કથાના ભાગરૂપે અનેક પ્રસંગ્રોને જીવંત ભજવવામાં આવી રહ્યાં છે. કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ દરમિયાન અગ્રવાલ ફ્લેટના હરિભક્તો તન, મન, ધનથી જોડાઇને ખૂબ જ ભક્તિમય બની ગયા હતા અને કૃષ્ણ જન્મોત્સવમાં ઉત્સવભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે યોગિનીબહેન ગણાત્રાએ જણાવ્યું કે હાલમાં ચાલી રહેલા પાવન પુરષોત્તમ માસ નિમિત્તે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન થકી અમે ફ્લેટના રહેવાસીઓને આ પાવન માસ દરમિયાન ભક્તિમય વાતાવરણ પુરૂ પાડી શકાય અને બાળકોમાં ધાર્મિક જાગૃતતા આવે તેવો ઉદ્દેશ ધરાવીયે છીએ.