ગુજરાતની ભાજપ સરકાર 31મી મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરુણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે 31 જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં ‘પર્જન્ય યજ્ઞ’ કરાવશે.
ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે 31મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ નદી, તળાવો, કેનાલ્સ તેમજ પાણીનો સંગ્રહ કરતા અન્ય સંસાધનોને ઉંડા કરવામાં આવ્યા હતા જેથી ચોમાસામાં સિંચાઈ માટેનું પાણી વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય.
બુધવારના રોજ થયેલી રાજ્યની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ‘રાજ્યમાં સારો વરસાદ પડે તેની પ્રાર્થના કરવા માટે 31મી મેના રોજ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં 41 સ્થળોએ આ યજ્ઞો થશે અને પ્રસાદ વહેંચવામાં આવશે. હું, મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ યજ્ઞોમાં ભાગ લેશે.’