સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના નાની સરસણ ગામે તળાવ ઊંડું કરવાના શ્રમ યજ્ઞમાં સહભાગી થયા હતા.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ઊનાળાના આ ધોમધખતા તાપમાં ગુજરાતના ગામે-ગામ લોકશક્તિ અને શ્રમજીવીના શ્રમદાનના પરસેવાથી હાથ ધરાઇ રહેલું જળસંચય અભિયાન આગામી ચોમાસામાં પારસમણિ બનીને જળસમૃદ્ધિ રૂપે ઊગી નીકળવાનું છે. દેશનું આ સૌથી મોટું જળસંચય અભિયાન રાજ્યની ભાવિ પેઢીઓને જળસમૃદ્ધિનો વૈભવ વારસો આપશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાતને પાણીદાર અને હરિયાળુ બનાવવા લોકહિતના આ ઇશ્વરીય કાર્યમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓનો પણ વ્યાપક સહયોગ સાંપડી રહયો છે. જેના પરિણામે આગામી ચોમાસામાં રાજયમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે અને પીવાના પાણી તેમજ દુકાળની સમસ્યા ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી માટે દુકાળ એક દંતકથા સમાન બનશે.
તેમણે લુણાવાડા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૨૨.૮૩ કરોડના ખર્ચે સરકારી અધિકારી-કર્મીઓ માટે નિર્માણ થયેલ વિવિધ કેટેગરીના ૯૦ આવાસોનું ઇ-તકતી દ્વારા લોકાર્પણ કર્યું હતું.
મહિસાગર જિલ્લામાં જળસંચય-જળસંગ્રહના કામો માટે પંચામૃત ડેરી દ્વારા રૂા.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહિસાગર જિલ્લામાં જળસંચય-જળસંગ્રહના કામો માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા રૂા.૧૦ લાખ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા રૂા.૦૫ લાખ, અમૂલ ડેરી દ્વારા રૂા. પાંચ લાખ તેમજ જિલ્લાની સરકારી મંડળીઓ દ્વારા રૂા.૦૪.૫૦ લાખ સહિત કુલ રૂા.૨૪.૫૦ લાખનો આર્થિક સહયોગ સાંપડયો હતો.