અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સ, શનિવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે મહિલા પ્રીમિયર લીગ 2026 ના તેમના પ્રારંભિક મેચમાં યુપી વોરિયર્સનો સામનો કરવા માટે તૈયાર છે.
ટીમે મુંબઈમાં જોરદાર પ્રી-સીઝન કેમ્પ કર્યો છે, અને ગયા વર્ષે પહેલીવાર પ્લેઓફમાં પહોંચ્યા બાદ હવે વધુ સારા પ્રદર્શન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પોતાની પહેલી મેચની પૂર્વસંધ્યાએ વાત કરતાં, મુખ્ય કોચ માઈકલ ક્લિંગરે કહ્યું, “ઇતિહાસમાં પહેલી વાર WPL ના પ્લેઓફ માટે ક્વોલિફાય થવું ગુજરાત માટે એક શાનદાર સિદ્ધિ હતી, પરંતુ આ સિઝન એક નવી શરૂઆત છે. દરેક ટીમ સમાન રમતના મેદાન પર શરૂઆત કરે છે, અને સારી શરૂઆત કરવી મહત્વપૂર્ણ છે કારણ કે, તે ટીમમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. અમે અહીં સ્પર્ધા જીતવા માટે આવ્યા છીએ, અને સાથે સાથે અહીં આ પ્રવાસનો આનંદ માણવા અને ખેલાડીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ છીએ. આગામી મહિનામાં, અમારું લક્ષ્ય દરેક ખેલાડી માટે છે કે, તેઓ આ ટુર્નામેન્ટમાં આવ્યા હતા તેના કરતા વધુ સારા ક્રિકેટર તરીકે સિઝન પૂર્ણ કરે. છેલ્લા ચાર કે પાંચ દિવસમાં ગ્રુપે જે રીતે તાલીમ લીધી છે, મને કોઈ શંકા નથી કે જાયન્ટ્સ માટે પરિણામો અને વ્યક્તિગત વિકાસ બંને દ્રષ્ટિએ આ સિઝન સફળ રહેશે.”
ટીમની રચના વિશે ક્લિંગરે કહ્યું કે, “શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન પસંદ કરતી વખતે અમને સિલેક્શન માટે કેટલીક મુશ્કેલી પડશે, અને તે હંમેશા એક સારી વાત છે. અમારી પાસે ખરેખર ટીમમાં ઊંડાણ અને પુષ્કળ વિકલ્પો છે, ખાસ કરીને ટીમમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓલરાઉન્ડરોની સંખ્યા. જ્યારે આપણે છેલ્લા કેટલાક સીઝનમાં સૌથી સફળ ટીમો પર નજર કરીએ છીએ, ત્યારે એક સામાન્ય પરિબળ તરીકે પણ ઓલરાઉન્ડરોની મજબૂત હાજરી હતી.”
“સોફી ડિવાઇન અને કિમ ગાર્થ જેવા ખેલાડીઓને બોલિંગ ઓલરાઉન્ડર તરીકે લાવવાથી અમને વધુ મજબૂતાઈ મળી છે. 6 વિદેશી ખેલાડીઓ સાથે, સિઝન શરૂ કરવા માટે ચાર ખેલાડીઓની પસંદગી કરવી મુશ્કેલ બનશે કારણ કે, તે બધા ઉચ્ચ-ગુણવત્તાવાળા ક્રિકેટર છે, પરંતુ આ એક સમસ્યા છે જેનાથી અમે ખૂબ ખુશ છીએ,”
ટીમમાં યુવા ભારતીય ખેલાડીઓ વિશે વાત કરતા, 45 વર્ષીય કોચે કહ્યું, “બેટિંગના દૃષ્ટિકોણથી, અમે કેટલીક ઉત્તમ યુવા પ્રતિભાઓને ટીમમાં ઉમેરી છે. અનુષ્કા શર્માનો ઘરેલુ સિઝન ખૂબ જ સારો રહ્યો, જ્યારે આયુષી સોની પાસે થોડો વધુ અનુભવ છે અને તેણે દિલ્હી માટે કેટલીક ઉત્તમ ક્રિકેટ રમી છે. તિતસ પહેલાથી જ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે, જે ટીમમાં મૂલ્યવાન અનુભવ ઉમેરશે.”
અંતે કોચે ટીમ વિશે વાર કરતા કહ્યું કે, “હેપ્પી પાસે વાસ્તવિક ગતિ છે, જે ઘણીવાર મહિલા રમતમાં જોવા મળતી નથી, જ્યારે ભારતી, જોકે અન્ય કરતા થોડી વધુ અનુભવી છે, વાસ્તવિક ગુણવત્તા અને શક્તિ ધરાવે છે. શિવાની ટીમને બેટ્સમેન તરીકે પણ મજબૂત બનાવે છે અને વિકેટકીપર તરીકે પણ રમી શકે છે. એકંદરે, અમે મજબૂત સ્થિતિમાં છીએ, અને WPL ની આ સિઝનમાં તેમને ટુર્નામેન્ટના વિવિધ તબક્કામાં પ્રગતિ કરવાની તકો આપશે.”
