રાજકોટ: ધોરણ 7માં અભ્યાસ કરતા સગીરે કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો

Rudra
By Rudra 2 Min Read

રાજકોટ: શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા નજીવી બાબતમાં 12 વર્ષના છોકરાએ જીવન ટૂંકાવી લીધું છે. સતત મોબાઈલ વાપરવાની આદતને કારણે પિતાએ ઠપકો આપીને ફોનનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. ત્યાર બાદ 12 વર્ષના કિશોરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. શહેરની યુનિવર્સલ સ્કૂલ પાસે રહેતા અને ધોરણ 7માં અભ્યાસ કરતા સગીરે પિતા ઘરની બહાર આ અંતિમ પગલું ભર્યું હતું. આ કારણે આખા પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ધોરણ સાતમાં ભણતો વિદ્યાર્થી શાળાએથી ઘરે આવ્યા બાદ તરત જ મોબાઈલ લઈને બેસી ગયો હતો. રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પિતા રાકેશભાઈએ તેને ભણવા પર ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો. જે બાદ મોબાઈલનો લોક પાસવર્ડ પણ બદલી નાખ્યો હતો.

બપોરના સમયે પિતા રિક્ષા લઈને કામ પર નીકળી ગયા ત્યારે સગીરે ફરી મોબાઈલ લીધો હતો, પરંતુ પાસવર્ડ બદલાઈ જવાથી તે ફોન ખોલી શક્યો નહોતો. તેણે માતા પાસે નવો પાસવર્ડ માંગ્યો હતો, પરંતુ માતાએ પોતે પાસવર્ડ ભૂલી ગઈ હોવાનું કહેતા બાળકને આ વાતનું અત્યંત માઠું લાગ્યું હતું. જે બાદ વિદ્યાર્થીએ આ અંતિમ પગલું ભરી લીધું હતુ.

બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતક સગીર બે ભાઈઓમાં મોટો હતો અને તેના અકાળે અવસાનથી શ્રમિક પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે. હાલ પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article