વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ કમોસમી વરસાદમાં થયેલા નુકસાન અન્વયે જાહેર કરાયેલા આર્થિક પેકેજ અંતર્ગત ઝડપભેર ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વરસેલા કમોસમી અસાધારણ વરસાદના કારણે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું હતું. જે અંતર્ગત રાજ્યના ખેડૂતોને આર્થિક સહાય આપી પગભર થવા અને તેમની પડખે ઊભા રહીને પાક સર્વે પૂર્ણ કરીને રૂ. ૧૦ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ કૃષિ રાહત પેકેજ હેઠળ રાજ્યના ૩૩ લાખ ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં ૨૭ લાખથી વધુ ખેડૂતોને સહાય પેટેની અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને છેલ્લા ૧૦ દિવસમાં કુલ ૨૨.૯૦ લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂ. ૬,૮૦૫ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે. જ્યારે બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરાવવામાં આવી રહી છે, જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
તેમેણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ સહાય અગાઉ રૂ. ૧૧ હજાર હતી તે વધારીને રૂ. ૨૨ હજાર અને બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ રૂ. ૪૪ હજાર આર્થિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જેનો રાજ્યના ૧૮ હજાર ગામોમાંથી ૧૭ હજાર ગામોના ખેડૂતોને લાભ મળ્યો છે.
મંત્રી મોઢવાડીયાએ વધુમાં કહ્યું હતું કે, આર્થિક સહાય અંતર્ગત મગફળી સહિતના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરીને રાજ્ય સરકાર ખેડૂતોની હામી બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રૂ. ૧૫ હજાર કરોડની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવાનું નક્કી કર્યું છે. હાલમાં ગુજરાતમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ પાકની ખરીદી માટે ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ગત વર્ષે આ ખરીદી માટે માત્ર ચાર લાખ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જેમાં આ વર્ષે અઢી ગણો વધારો થયો છે. રાજ્યમાં મગફળીની ખરીદી માટે ૧૧૪ તાલુકામાં ૩૧૭ જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. નવેમ્બરથી અત્યાર સુધીમાં મગફળી, સોયાબીન, મગ અને અડદ માટે કુલ ૧૦.૧૧ લાખ ખેડૂતો પૈકી ૪.૭૫ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૧૦.૪૯ લાખ મેટ્રિક ટન જથ્થાની રૂ. ૭,૫૩૭ કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી કુલ ૨.૧૮ લાખ કરતા વધુ ખેડૂતોને રૂ. ૩,૪૬૮ કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મગફળી સિવાયના પાકની ટેકાના ભાવે ખરીદી હાલમાં ચાલી રહી છે. આમ, આ ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં રૂ. ૮,૭૯૮ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. ખેડૂતોને મગફળી અને નુકસાનીના બંને પેકેજ સ્વરૂપે કુલ રૂ. ૨૬ હજાર કરોડની માતબર રકમનું ચૂકવણું કરવામાં આવશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, આ કિસાન હિતકારી અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો, વિવિધ સહકારી આગેવાનો, ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ, સંગઠનના આગેવાનોએ ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કરીને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મંત્રી મંડળના સભ્યો સર્વે જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, નરેશભાઈ પટેલ, ડૉ. પ્રદ્યુમન વાજા, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે સી. જે. ચાવડા, સંજય કોરડીયા, મનુભાઈ પટેલ, જનક તલાવીયા, ભીખાભાઇ બારૈયા, રાજેન્દ્રભાઈ રાઠવા, ગૌતમભાઈ ચૌહાણ અને સરદારભાઈ ચૌધરી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.
