સુરત: વેસુ ખાતે રૂ.૩૦.૨૪ કરોડના ખર્ચે ગ્રીન કન્સેપ્ટ પર આધારિત નવનિર્મિત ‘સુડા ભવન’નું લોકાર્પણ ૨૦મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. ગ્રીન બિલ્ડીંગના માપદંડો પ્રમાણે સુરત શહેરી વિકાસ સત્તામંડળના આ ભવનમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે તેમજ પાણીની બચત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
બિલ્ડીંગના સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાંથી દર વર્ષે આશરે ૮૧૨૦૦ યુનિટ વીજળી મળશે. રીન્યુએબલ એનર્જી અને સૂર્યપ્રકાશના યોગ્ય વપરાશ દ્વારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરાયો છે. ભવનમાં વાતાવરણને અનુકુળ એવી બિલ્ડીંગ સામગ્રીનો વપરાશ કરાયો છે.
વરસાદી પાણી માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ જળની ટાંકી તેમજ ઓવરહેડ પાણીની ટાંકી બાંધવામાં આવી છે. ૧૦૦ કેવીપી ગ્રીડ ટાઈપ એસપીપીની જોગવાઈ સાથે સોલર લાઇટિંગ્સ અને ઊર્જા કાર્યક્ષમતા માટે એલઇડી લાઇટિંગ અને મોશન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બિલ્ડીંગમાં પાણીનો વપરાશ ઘટાડવા માટે સેન્સર આધારિત નળ અને લો ફ્લો ફિક્સર ફીટ કરાયા છે. જયારે મુખ્ય પ્રવેશદ્વાર પર બાયોમેટ્રિક એક્સેસ કન્ટ્રોલ મૂકવામાં આવ્યું છે. સંપૂર્ણ ભવનમાં સી.સી.ટીવી મોનિટરીંગ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે.