સમગ્ર ગુજરાત સાથે અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે. ત્યારે શુક્રવારે પણ 43.8 ડિગ્રી સાથે ત્રાહિમામ પોકરાવી દેતી ગરમી અને તેની સાથે બપોર બાદ ધૂળની ડમરીએ જાણે કે આખા શહેરને બાનમાં લઈ લીધું હતું. પાછલા બે દિવસથી રાજ્યભરમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે.
ગુરવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે હીટસ્ટ્રોકના કારણે 8 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. બીજી તરફ શુક્રવારે પણ ભારતીય હવામાન ખાતે આગાહી કરી હતી કે શનિવારે પણ રાજ્યમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેશે. શુક્રવારે પણ ગુજરાતમાં સૌથી વધુ ગરમ સ્થળ તરીકે કંડલા એરપોર્ટ અને કંડલા પોર્ટ રહ્યા હતા. અહીં તાપમાન ક્રમશઃ 44.9 અને 44.6 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં હવામાન ખાતા દ્વારા મોનિટર કરવામાં આવતા 23 પૈકી 11 સ્થળોએ તાપમાન 42 ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતા 1.9 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું હતું. તો શહેરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1.2 ડિગ્રી વધુ 28.3 નોંધાયું હતું. તો શુક્રવારે વાતાવરણમાં ભેજનું તાપમાન મહત્તમ 62% લઘુત્તમ 27% નોંધાયું હતું. તો શુક્રવારે બપોર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરી ચડતા આખા શહેરમાં ધૂળની ચાદર ઓઢાડી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જેના કારણે વાહન ચાલકોને અનેક ગણી તકલીફ વધી ગઈ હતી. જ્યારે સાંજનો સમય વાદળાઓથી ઘેરાયેલો અને ધૂળની ડમરીના કારણે ધૂળધૂળ વાળો લાગતો હતો.