પૂજ્ય મોરારી બાપૂ બીજી ઐતિહાસિક “રામ યાત્રા” ઉપર જશે, પ્રભુ શ્રીરામના વનવાસ અને પરત ફરવા સુધીના મહત્વપૂર્ણ આધ્યાત્મિક સ્થળો ઉપર રામકથા યોજશે

News KhabarPatri
By News KhabarPatri 4 Min Read

નવી દિલ્હી : પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના ઉપદેશોના પ્રસારક પરમ પૂજ્ય મોરારી બાપૂ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2025 સુધી એક વિશિષ્ટ આધ્યાત્મિક સફર – રામ યાત્રા ઉપર જઇ રહ્યાં છે. આ દિવ્ય યાત્રા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના પાવન માર્ગ ઉપર ચાલતાં તેમના જીવન અને ઉપદેશો સાથે જોડાયેલા પવિત્ર સ્થળો સાથે જોડાશે. ચિત્રકૂટથી રામેશ્વર અને કોલંબો બાદ આ યાત્રા અયોધ્યામાં સમાપ્ત થશે. આ યાત્રા સનાતમ ધર્મના સાર, પ્રભુ શ્રીરામના નામના મહિમાને ઉજાગર કરશે. આ યાત્રા ભારતને એકતાના સૂત્રમાં જોડશે અને પરંપરાઓને મજબૂત કરશે. આ યાત્રા ચિત્રકૂટના પવિત્ર અત્રિ મુનિ આશ્રમથી શરૂ થશે, જ્યાં 25 ઓક્ટોબર, 2025ના રોજ પ્રથમ રામ કથાનું આયોજન થશે. 11 દિવસ દરમિયાન વિવિધ સ્થળો ઉપર કથા યોજાશે, જે કુલ 8,000 કિમીનું અંતર કાપશે.

 

એક 22 કોચની વિશેષ ટ્રેનમાં કુલ 411 શ્રદ્ધાળુઓ સફર કરશે, જેમાં બાપુની સાથે તેમના અનુયાયીઓ આ સફરમાં જોડાશે. આ યાત્રામાં ભારત અને શ્રીલંકાના વિવિધ આધ્યાત્મિક સ્થળો ઉપર 9 દિવસ રામ કથા યોજાશે, જ્યાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રીરામના ઉપદેશો અને જીવન વિશે જાણકારી મેળવશે. પૂજ્ય બાપૂ ઘણાં દાયકાઓથી રામકથા કરી રહ્યાં છે અને હવે તેઓ ભારત અને શ્રીલંકામાં વિવિધ સ્થળો ઉપર પ્રભુ શ્રીરામના ઉપદેશોના પ્રસાર માટે આધ્યાત્મિક યાત્રા ઉપર જઇ રહ્યાં છે.આ યાત્રામાં પૂજ્ય બાપૂ નીચે મૂજબના આધ્યાત્મિક રીતે ખૂબજ મહત્વપૂર્ણ સ્થળો ઉપર રામકથા કરશેઃ
અત્રિ મુની આશ્રમ (ચિત્રકૂટ)
અગત્સ્ય મુની આશ્રમ (સતના)
પંચવટી (મહારાષ્ટ્ર)
સબરી આશ્રમ (કર્ણાટક)
રિષિમુકટ પર્વત (હમ્પી)
રામેશ્વરમ (તમિળનાડુ)
કોલંબો (શ્રીલંકા)
અયોધ્યા (ઉત્તર પ્રદેશ)

 

આ પ્રભુ શ્રીરામના ધર્મ, સમર્પણ અને કરૂણાની સફરને ખૂબજ સુંદર રીતે પ્રસ્તુત કરશે તથા રામ રાજ્યના સારને જીવંત બનાવશે. આ રામકથા ચિત્રકૂટથી રામેશ્વર સુધી ટ્રેન દ્વારા અને ત્યારબાદ રામેશ્વર થી કોલંબો અને કોલંબો થી અયોધ્યા ફ્લાઇટના માધ્યમથી વિવિધ સ્થળો ઉપર કથા યોજાશે. અયોધ્યા એ જગ્યા છે કે જ્યાં પ્રભુ રામ 14 વર્ષના વનવાસ પૂર્ણ કર્યાં બાદ પરત ફર્યાં હતાં. રામચરિત માનસ પ્રભુ શ્રીરામની બાહ્ય સફરને દર્શાવવાની સાથે-સાથે આત્માની આંતરિક યાત્રાનું પણ વર્ણન કરે છે. કોઇપણ વ્યક્તિ આ રામકથામાં ઉપસ્થિત રહી શકે છે અને કોઇપણ વ્યક્તિ સફરના કોઇપણ તબક્કે સીધા તેમાં સામેલ થઇ શકે છે. તેનાથી દરેક વર્ગના લોકોને આધ્યાત્મિક અનુભવમાં સહભાગી બનવાની તક મળશે.દરેક શ્રદ્ધાળુઓને આયોજકો દ્વારા પ્રસાદીરૂપે દૈનિક ત્રણવાર ભોજન પીરસાશે.

 

પ્રભુ શ્રી રામના વનવાસ સાથે સંબંધિત આ બીજી પરિક્રમા યાત્રા છે. પહેલી પરિક્રમા યાત્રા 27 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2021 દરમિયાન અયોધ્યા થી ચિત્રકૂટ અને નંદીગ્રામ સુધી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે પૂજ્ય બાપૂ કથા માટે કોઇપણ રકમ સ્વિકારતા નથી અને શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવે છે. આગામી રામકથા વિશે વાત કરતાં પૂજ્ય મોરારી બાપૂએ જણાવ્યું હતું કે, આ યાત્રા એક સ્થળથી બીજા સ્થળ સુધીની સફર જ નહીં, પરંતુ પ્રભુ શ્રીરામના ધર્મ અને કરૂણાના માર્ગનું સ્મરણ છે. જ્યાં પણ પ્રેમથી તેમના નામનું સ્મરણ કરાય, તે જગ્યા અયોધ્યા બની જાય છે.આ યાત્રાનું આયોજન સંતકૃપા સનાતન સંસ્થાનના બાપુના અનુયાયી મદનજી પાલીવાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. યાત્રાથી લઈને વ્યવસ્થા અને કથા સહિતના દરેક પાસા સનાતન ધર્મની શુદ્ધતા અને સમાવેશકતાને પ્રતિબિંબિત કરે છે. વિશ્વભરના ભક્તો બાપુ સાથે આવશે, જે આ શ્રદ્ધા અને એકતાનું પ્રતીક બનશે. સત્ય, પ્રેમ અને કરુણાના શાશ્વત મૂલ્યોમાં મૂળ ધરાવતી રામયાત્રા રામ ચરિત માનસના ઉપદેશોના પ્રકાશ ફેલાવવા અને માનવતાના આધ્યાત્મિક માળખાને મજબૂત બનાવવાના બાપૂના જીવનભરના મિશનને સુંદર રીતે પ્રસ્તુત કરે છે.

Share This Article