ચેકમાં Lakh લખાય કે Lac? જાણો શું છે સાચો સ્પેલિંગ? RBIનો નિયમ જાણીને ક્યારેય નહીં કરો ભૂલ

Rudra
By Rudra 3 Min Read

નવી દિલ્હી : બેંકોમાં વહેવાર આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. આપણે એક યા બીજા કારણોસર બેંકમાં જઈએ છીએ. ચેક એ કોઈપણ ચુકવણીનું ખૂબ જ લોકપ્રિય માધ્યમ છે. તમે કદાચ ક્યારેક ને ક્યારેક કોઈને ચેક આપ્યો હશે અથવા મેળવ્યો હશે. બેંક ચેક માટે રકમ શબ્દો અને સંખ્યામાં લખવાની જરૂર પડે છે.

શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે ચેક આપતી વખતે, ઘણા લોકો “લાખ” ને “Lakh” લખે છે જ્યારે અન્ય લોકો “Lac” લખે છે? હવે સવાલ એ થાય કે, આ બેમાંથી કયો શબ્દ સાચો છે? જો આપણે ખોટો શબ્દ વાપરીશું તો શું આપણો ચેક કેન્સલ થશે?

હકીકતમાં ચેક પર રકમને સંખ્યામાં લખવા માટે એક નિયમ હોય છે, અને દરેક વ્યક્તિ તેને નિર્ધારિત નિયમ મુજબ લખે છે. જોકે સૌથી મોટી મૂંઝવણ શબ્દોમાં રકમ લખવા અંગે છે. સામાન્ય રીતે રકમ અંગ્રેજીમાં લખાય છે. હવે લોકો અંગ્રેજીમાં લાખ લખવા માટે અલગ અલગ સ્પેલિંગનો ઉપયોગ કરે છે. કેટલાક લાખને Lac તરીકે લખે છે, જ્યારે અન્ય લોકો માને છે કે Lakh લખવું યોગ્ય છે.

જો આપણે અંગ્રેજી શબ્દકોશ અનુસાર બંનેના અર્થ વિશે વાત કરીએ, તો અંગ્રેજી શબ્દકોશમાં Lakh એ સંખ્યા દર્શાવવા માટે કરવામાં આવે છે. તે 100 હજાર માટેનો સ્પેલિંગ કહેવાય છે. જ્યારે, Lacનો અર્થ જંતુઓમાંથી કાઢવામાં આવતો ચીકણો પદાર્થ છે, જેનો ઉપયોગ વાર્નિશ, રંગ અને સીલિંગ મીણ બનાવવામાં થાય છે.

સાચો સ્પેલિંગ શું છે?

રિઝર્વ બેંકે Lakh અથવા Lac લખવા અંગે સામાન્ય ગ્રાહક માટે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી. જોકે આ સંદર્ભમાં બેંકો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા છે. રિઝર્વ બેંકના માસ્ટર પરિપત્રમાં જણાવાયું છે કે અંગ્રેજીમાં 1 લાખ નંબર દર્શાવવા માટે Lakh શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આનો અર્થ એ છે કે સત્તાવાર બેંકિંગ ભાષામાં Lakhને સાચો શબ્દ ગણવામાં આવશે. દરેક રિઝર્વ બેંક નોટ અને તેની વેબસાઇટ પર Lakhનો ઉપયોગ થાય છે.

શું ચેકની જોડણી ખોટી હશે તો ચેક કેન્સલ થશે?

ભારતમાં બંને શબ્દો બોલચાલમાં ઉપયોગમાં લેવાતા હોવાથી, ચેક પર બંને સ્પેલિંગ ચલાવી લેવામાં આવે છે. ભારતીય રિઝર્વ બેંક પાસે સામાન્ય લોકો માટે કોઈ માર્ગદર્શિકા ન હોવાથી, બેંકો જોડણી પર વધુ ધ્યાન આપતી નથી. તેથી, તમે બંનેમાંથી કોઈ એક સ્પેલિંગ સાથે ચેક જારી કરી શકો છો. જો તમે “Lakh” ને બદલે “Lac” લખો છો, તો તમારો ચેક રદ થશે નહીં કે બાઉન્સ થશે નહીં.

Share This Article