MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી (MIT-WPU)નાં ગ્રીન હાઇડ્રોજન સેન્ટરનાં સંશોધકોએ ડૉ. રત્નદીપ જોશી (MIT-WPUમાં ગ્રીન હાઇડ્રોજન રિસર્ચ સેન્ટરના એસોસિએટ ડાયરેક્ટર)નાં નેતૃત્વમાં નવીન, કાર્બન-નેગેટિવ પ્રક્રિયા વિકસાવી છે, જે કૃષિના મિશ્ર બગાડમાંથી બાયોસીએનજી અને ગ્રીન હાઇડ્રોજન એમ બંનેનું ઉત્પાદન કરે છે તેમજ ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ સ્વચ્છ અને વધારે વાજબી માર્ગ પૂરો પાડે છે. આ નવીનતા ભારતનાં આત્મનિર્ભર અભિયાન અને LiFE (લાઇફસ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ – પર્યાવરણ માટે જીવનશૈલી)ની ફિલોસોફીને ટેકો આપે છે. વળી, આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન (રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન અભિયાન) સાથે પણ સુસંગત છે, જેનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનો છે.
આ વિચાર ટૂંકા ગાળામાં અતિ વરસાદ, લાંબો દુષ્કાળ અને અવારનવાર ચક્રવાત જેવી આબોહવામાં પરિવર્તનની નુકસાનકારક અસરો પર ચર્ચાઓમાંથી આવ્યો હતો. સાથે સાથે અમે મોટા પાયે કૃષિલક્ષી બગાડનો નિકાલ કરવા વિશે ખેડૂતોની ચિંતાઓ સાથે સંવાદમાંથી પણ અમારાં આ વિચારને વેગ મળ્યો હતો. જૂની જૈવદ્રવ્યમાંથી વાયુનું રૂપાંતરણ કરવાની પદ્ધતિઓની અસરકારક 5થી 7 ટકા જેટલી ઓછી હતી.
ડૉ. જોશીએ કહ્યું હતું કે, “ડાંગરનીખુસકી કે નેપિયર ગ્રાસ (બારમાસી લીલો ઘાસચારો) જેવા એકમાત્ર ચારાં પર નિર્ભર અનેક પ્રયાસોથી વિપરીત આ સંશોધનમાં કૃષિનાં મિશ્ર બગાડ સાથે સફળતા મળી છે, જેમાં બાજરી જેવા જાડાં અનાજના અવશેષો અને અન્ય સિઝનલ પાકનો બગાડ સામેલ છે. આ અભિગમ ઓછો વરસાદ અને દુષ્કાળનો સામનો કરતાં વિસ્તારો માટે સવિશેષ અસરકારક છે. સંશોધનમાં જૈવદ્રવ્યમાંથી વાયુનાં રૂપાંતરણની 12 ટકા અસરકારકતા હાંસલ કરવા બાયો-કલ્ચર વિકસાવવામાં આવ્યું હતું. ચાર મંજૂર થયેલી પેટન્ટ સાથે સંપૂર્ણપણે સ્કેલેબલ દરરોજ 500 કિલોગ્રામના પાયલોટ પ્લાન્ટ MIT-WPU કેમ્પસમાં સ્થાપિત થયો છે. તેમાં પેદા થતો બાયોગેસ મિથનનું ઊંચું પ્રમાણ દર્શાવે છે, જેનો વધુ ઉપયોગ ગ્રીન કેટાલીટિક પાયરોલીસિસ પ્રક્રિયા મારફતે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવા માટે થયો હતો.”
MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના પીએચ.ડી રિસર્ચ સ્કૉલર અનિકેત પત્રિકરેકહ્યું હતું કે, “અમે છોડવાઓમાંથી પ્રાપ્ત પાયરોલીસિસ (ઉચ્ચ તાપમાને વિઘટન) ઉદીપકનો ઉપયોગ કર્યો છે, જેનાથી અમને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જન વિના ગ્રીન હાઇડ્રોજન પેદા કરવામાં મદદ મળી છે. આ રીતે મોંઘી કાર્બનને જપ્ત કરવાની સિસ્ટમની જરૂરિયાત દૂર થઈ છે. વળી, આ પ્રક્રિયા બાયોચાર પણ પેદા કરે છે, જે ફાર્માસ્યુટિકલ્સ, કોસ્મેટિક્સ, ખાતરો અને નિર્માણ જેવા ઉદ્યોગોમાં ઉપયોગ થતી કિંમતી આડપેદાશ છે.”
MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના પીએચ.ડી રિસર્ચ સ્કૉલર અવિનાશ લાડે કહ્યું હતું કે, “દુનિયા ઇલેક્ટ્રોલીસિસનો વિચાર કરે છે, પરંતુ તે હજુ પણ ખર્ચાળ છે, જેમાં કિલોગ્રામદીઠ ખર્ચ $2થી વધારે આવે છે. અમારી પ્રક્રિયા કાર્બન-નેગેટિવ, વાજબી અને મોટા પાયે ઉપયોગ કરી શકાય એવી છે, જે ગ્રીન હાઉડ્રોજનનાં ઉત્પાદનનો ખર્ચ ઘટાડીને કિલોગ્રામદીઠ $1 કરવાની સાથે ભારતીય કૃષિમાં બગાડની સમસ્યાનું સમાધાન કરવાની સંભાવના ધરાવે છે. પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2070 સુધી નેટ-ઝીરો ઉત્સર્જનનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ પ્રકારની પાયાનાં સ્તરે અસરકારક પુરવાર થયેલી નવીનતાઓ સાથે ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને વર્ષ 2050 સુધીમાં કદાચ નેટ-ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરશે. સાથે સાથે આપણો દેશ સ્વચ્છ, અક્ષય અને પર્યાવરણને અનુકૂળ ઊર્જામાં આંતરરાષ્ટ્રીય સ્તરે લીડર બનશે. ”
MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડન્ટ ડૉ. રાહુલ કરાડે કહ્યું હતું કે,“MIT-WPUમાં અમે દ્રઢપણે માનીએ છીએ કે યુનિવર્સિટીઓ જ્ઞાન આપવાની સાથે સમાધાનો પણ બનાવે છે, જે સમાજ અને દેશ પર સીધી અસર કરે છે. આ સંશોધન અમારા માટે ગર્વની ક્ષણ છે, જે દર્શાવે છે કે અમે કેવી રીતે સંશોધન, નવીનતા અને સામાજિક જવાબદારીનો સમન્વય કરીને આબોહવામાં પડકાર અને ઊર્જાસુરક્ષા જેવા પ્રસ્તુત પડકારોનું સમાધાન કરી શકીએ છીએ. મારા માટે સૌથી રોમાંચક વાત એ છે કે આ નવીનતા પ્રયોગશાળાનો પ્રયોગ માત્ર નથી, પરંતુ આ ભારતીય વાસ્તવિકતાઓમાં મોટા પાયે ઉપયોગ કરી શકાય એવી, વ્યવહારિક અને પાયારૂપ નવીનતા છે. હું આને ખેડૂતોને સક્ષમ બનાવવા, પર્યાવરણલક્ષી ઉદ્યોગોને ટેકો આપવા અને હરિયાળ, આત્મનિર્ભર ભવિષ્યમાં ભારતને દોરી જવા અમારા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની દિશામાં આગેકૂચ તરીકે જોઉં છું.”
આ પ્રક્રિયા આડપેદાશ સ્વરૂપે જૈવખાતરો પણ પેદા કરે છે, જે ખેતીમાં યુરિયાનાં વપરાશનું સ્થાન લઈ શકે છે. ટીમને ગ્રીન-કોટેડ, પર્યાવરણને અનુકૂળ મુક્ત થતાં જૈવખાતરો માટે બે પેટન્ટની મંજૂરી મળી છે, જે યુરિયા જેવા કૃત્રિમ ખાતરો પર નિર્ભરતા ઘટાડીને કૃષિમાં સુધારો લાવવાની ખાતરી આપે છે અને જમીનમાં વધારે ખારાશ કે ક્ષારનું પ્રમાણ અટકાવે છે – જે ભારતીય કૃષિગત ઉત્પાદકતા માટે લાંબા ગાળાનું જોખમ છે.
પાણીમાં દ્રાવ્ય અને ચોમાસામાં વિલંબ દરમિયાન પાકનાં મૂળમાંથી પાણી શોષતાં યુરિયાથી વિપરીત આ જૈવિક ખાતરો જળ ઉપલબ્ધ હોય ત્યારે NPK પોષક દ્રવ્યો મુક્ત કરે છે. એનાથી ખેડૂતો અને ગ્રામીણ ભારતને પાકની ઉત્પાદકતા વધારવામાં મદદ મળવાની સાથે ફરતાં અર્થતંત્રનો લાભ મળશે. પ્રોફેસર જોશીએ સમજાવ્યું હતું કે, “જૈવિક ખાતરોના વપરાશ સાથે અમે કાર્બનને જકડી રાખવામાં અને ગ્રીનહાઉસ વાયુના ઉત્સર્જનથી ઊભી થતી પર્યાવરણલક્ષી કટોકટી ઘટાડવામાં પણ પ્રદાન કરીએ છીએ.”
ઊર્જા ક્ષેત્રમાં આ ઔદ્યોગિક નવીનતાએ તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જ્યારે મોટી કંપનીઓ હજારો CBG અને હાઇડ્રોજન એકમો સ્થાપિત કરવાની યોજના ધરાવે છે, ત્યારે અગ્રણી ઉદ્યોગસાહસિકોએ ટેકનોલોજી હસ્તાંતરણ માટે MIT-WPU સાથે જોડાણમાં રસ દાખવ્યો છે. યુનિવર્સિટીએ પણ ઉદ્યોગ-એકેડેમિક જગત વચ્ચે જોડાણને આવકાર આપ્યો છે, જે દેશને સક્ષમ કરવા કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર યુવાનોને સજ્જ કરીને તેમનું શિક્ષણ વધુ લાભદાયક બનાવે છે.