મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે મિત્ર આપણી જીંદગીમાં કેટલુ અગત્યનું સ્થાન ધરાવે છે. હવે આગળ,
आजा लड़ें फिर खिलौनों के लिए
तू जीते मैं हार जाऊ,
आजा करें फिर वोही शरारतें,
तू भागे मैं मार खाऊं
मीठी सी वो गाली तेरी,
सुनने को तैयार हूँ मैं
तेरा यार हूँ मैं….
हम्म.. तेरा यार हूँ मैं
तेरा यार हूँ..
મિત્રો, બાળપણ એ આપણા જીવનનો એક એવો સમયગાળો છે જેમાં આપણે એકદમ સહજ અને નિખાલસ અવસ્થામાં હોઈએ છીએ. બાળપણમાં આપણે એટલા નિખાલસ હોઈએ છીએ કે આપણી લડાઈ એ માત્ર અમુક મિનિટો પૂરતી જ હોય છે અને એ લડાઈમાં પણ આનંદ હોય છે. બાળપણમાં આપણે અમુક વસ્તુ માટે જ લડીએ છીએ અને એ લડાઈ પણ ટૂંકા ગાળાની હોય છે. બાળપણમાં આપણી લડાઈ રમકડા માટેની હોય છે. આપણા મિત્ર સાથે આપણી લડાઈ રમકડાં માટેની હોય છે, આપણે હકથી એનું રમકડું લેવા માટે લડીએ છીએ, પણ આવો મિત્ર જ્યારે ગુમસુમ થાય ને ત્યારે એમ થાય કે હવે આપણી સાથે લડશે કોણ…!?! એટલે સામેથી કહે છે કે ચાલ ને રમકડાં માટે લડીએ. કારણકે લડાઈ પણ પ્રેમને વધારવામાં સહાય કરે છે.
आजा लड़ें फिर खिलौनों के लिए
આવી લડાઈમાં હારી જવાની પણ મજા છે. ઘણીવાર જીતવા કરતા હારવામાં મજા છે, કારણકે આપણી હારના દુઃખ થવા કરતા સામેવાળાની જીતનો આપણને આનંદ થાય એનું નામ પ્રેમ.કોઈ માટે વેદના સહીને પણ વદનને હસતું રાખવું એનું નામ પ્રેમ છે એટલે એવું કહે છે કે, “એ દોસ્ત, ચાલ આપણે રમકડાં માટે લડીએ અને એ લડાઈમાં હું હારી જાવ!” કારણકે એ હારમાં પણ જીત રહેલી છે. મિત્રો દર વખતે જીતવા કરતા ક્યારેક હારી જવામાં પણ આનંદ છે.
तू जीते मैं हार जाऊ,
જો પોતાના અહંકાર અને મિત્રતા વચ્ચે મિત્ર વ્હાલો હોયને તો આપણે હાર પણ કબુલ કરવી પડે. હવે એમ થાય કે શું કામ હાર કબૂલી લેવી પડે…!? તો કે હજી તો આપણે એનો ઘણો બધો સાથ જોઈએ છે. આપણે એની સાથે મળીને ઘણી બધી મસ્તી- મોજ કરવાની છે.
આપણે કોકને અંધારામાં હાઉ કરીને ડરાવવા માટે એની જરૂર છે,
આપણે કોકના ચપ્પલ સંતાડીને એને ધંધે લગાડવા માટે એની જરૂર છે,
આપણે કોકને ધુળેટીના દિવસે રંગે રંગવા માટે એની જરૂર છે,
આપણે સાયકલ ચલાવતા શીખતાં હોય ત્યારે બેલેન્સ જાળવવા માટે એની જરૂર છે,
કોઈની વાડીમાંથી મકાઈ,ચિભડા,મગફળી,શેરડીને છાનામાના લઈને ખાવા માટે એની જરૂર છે,
ગામની સીમમાં આવેલી નદીના પાણીમાં સટોડીયો રમવા માટે આપણે એની જરૂર છે,
ટૂંકમાં જીવનમા આનંદની ક્ષણોને માણવા માટે આપણે એની જરૂર છે.
आजा करें फिर वोही शरारतें,
અને ક્યારેક આવી મસ્તી કરતા કરતા આપણને જો સજા થાય ને તો એ સજાને સહન કરવા માટે આપણે એની પહેલા ઉભા રહી જઈએ. એ ભાગી જાય અને આપણે એના ભાગનો માર ખાઈ લઈએ એ એનું નામ સાચી મિત્રતા અને મિત્ર થવા માટેની પહેલી શરત એ છે કે આપણે આપણા મિત્રની ઢાલ બનવાનું છે. કારણકે,
“મિત્ર એવો કરીયે કે જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય.”
એક મિત્ર પાસે આપણે જો આવી અપેક્ષા રાખતા હોય તો આપણે પણ કોઈકના મિત્ર છીએ અને આપણે પણ કોઈક માટે ઢાલ બનવાનું છે એ યાદ રાખવું પડે.
મિત્રના જીવનમાં કોઈ આપત્તિ આવી પડે તો આપણે એની સાથે એની પહેલા ઉભા રહી જઈએ એ અર્થમાં,
तू भागे मैं मार खाऊं
અને મિત્રતા જયારે આવી ગાઢ બને ને ત્યારે આપણને એના મોઢે બોલાયેલી કોઈ આપણી મજાક સહન કરવા માટે પણ સક્ષમ બનીએ છીએ.
હા, જગતમાં મિત્ર જ એવો એક વ્યક્તિ છે જે કોઈ પણ કારણ વગર તમે આપેલી ગાળને સહન કરી શકે છે, તમે કરેલી મસ્તીને સહન કરી શકે છે. મિત્રના મોઢે આપણે સાંભળેલી ગાળ પણ આપણને મીઠી લાગે છે,એના દ્વારા કરેલી મસ્તી પણ આપણને આનંદ આપે છે, કારણકે આ પ્રેમનું લક્ષણ છે કે જે વ્યક્તિ આપણને ગમતું હોય ને એ વ્યક્તિ કદાચ આપણને પીડા આપે ને તો એ પીડા પણ આપણે આનંદ આપે છે એવા ભાવ સાથે લેખક લખે કે,
मीठी सी वो गाली तेरी,
सुनने को तैयार हूँ मैं
અને આ બધુ રમકડાં માટે લડવાનું, પાછું ભેગું થઈ જવાનું, કોઈકની મસ્તી કરવાની, એમા મળેલી સજાને હસતા મોઢે સહન કરવાની, મિત્રના મોઢે ગાળ સાંભળવાની મજા લેવાની આ બધું શા માટે કરવાનું કારણકે,
तेरा यार हूँ मैं….
हम्म.. तेरा यार हूँ मैं
तेरा यार हूँ..
હા, કોઈને જેવા છે એવા સ્વીકાર વાનો ભાવ એનું નામ જ મિત્રતા અંતે દીક્ષિત દનકૌરીના શેર સાથે આજની યુગપત્રીને પૂર્ણ કરતા એટલુ જ કે,
या तो कबूल मुझे मेरी कमजोरियों के साथ,
या फिर छोड़ दे मुझे मेरी तन्हाइयो के साथ।
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ : યુગ અગ્રાવત