એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ અને પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશન, ભોપાલના સંયુક્ત પ્રયાસથી ઉદ્યોગસાહસિક એડવેન્ચર કેમ્પ 18 થી 23 ઓગસ્ટ, 2025 દરમિયાન ધોરણ 11 અને 12ના વ્યવસાયિક વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યો છે. કેમ્પમાં ગુજરાતના સાત જિલ્લાઓમાંથી 60 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકોએ ભાગ લીધો છે.
આ નિવાસીય કેમ્પ કલાસરૂમ પ્રવૃત્તિઓ, સંવાદ સત્રો અને ફિલ્ડ વિઝિટ દ્વારા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિક કુશળતાઓ અને ક્ષમતાઓનું નિર્માણ અને વિકાસ થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ કેમ્પ પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશન, ભોપાલ દ્વારા સમર્થિત છે. આ સંસ્થા નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT), ભારત સરકારની એક સંઘટક એકમ છે.
ઉદ્યોગસાહસિક એડવેન્ચર કેમ્પ અંતર્ગત 21 ઓગસ્ટે એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં NCERTના ડિરેક્ટર પ્રો. દિનેશ પ્રસાદ સકલાની ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા. ડૉ. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રો. દિનેશ પ્રસાદ સકલાની, ડિરેક્ટર, NCERTએ વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમથી સંબોધતા જણાવ્યું કે, “દેશના યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ અને ઉદ્યોગસાહસિકતા તેમને આ તક પૂરી પાડે છે. આ પ્રકારની કુશળતા આધારિત શિક્ષણનો હેતુ માત્ર યુવાનોને રોજગાર માટે તૈયાર કરવાનો નથી, પરંતુ તેમને રાષ્ટ્રના ભવિષ્યને આકાર આપવા સક્ષમ બનાવવાનો છે.”
ડૉ. સુનિલ શુક્લા, ડાયરેક્ટર જનરલ, ઇડીઆઈઆઈએ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો અને પડકારો વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે, “ઉદ્યોગસાહસિકતા માત્ર વ્યવસાય સુધી મર્યાદિત નથી; તે ઇનોવેશન , નેતૃત્વ અને સામાજિક પરિવર્તન લાવવાની ક્ષમતા સાથે જોડાયેલી છે. વિદ્યાર્થીઓને સંરચિત તાલીમ દ્વારા ઉદ્યોગસાહસિક કુશળતાઓ પ્રાપ્ત થઈ શકે છે અને આ પ્રક્રિયા નાની ઉમરે જ શરૂ થવી જોઈએ. મને આનંદ છે કે NCERTએ વિદ્યાર્થીઓને આ તક પૂરી પાડવા અને તેમને ઉચ્ચ સિદ્ધિઓ તરફ દોરી જવાનો નિર્ણય કર્યો છે.”
ડૉ. દિપક પાલીવાલ, સંયુક્ત ડિરેક્ટર, પંડિત સુંદરલાલ શર્મા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વોકેશનલ એજ્યુકેશન, ભોપાલએ જણાવ્યું કે, “સંસ્થા સતત કુશળતા વિકાસ માટે કાર્યરત છે અને આવી પહેલો આવનારી પેઢીને આવશ્યક કુશળતાઓથી સજ્જ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે તેમના ભવિષ્યને નિર્ધારિત કરવામાં મદદરૂપ થશે.”
કેમ્પની પ્રવૃત્તિઓનું સંચાલન EDIIના એસોસિયેટ પ્રોફેસર ડૉ. પંકજ ભારતી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, “આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓ સર્જનાત્મકતા, સમસ્યા નિવારણ, નેતૃત્વ, ડિઝાઇન થિંકિંગ અને લક્ષ્ય નિર્ધારણ જેવી વ્યાવહારિક કુશળતાઓ મેળવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આ કુશળતાઓ અને શિક્ષણ તેમને સફળતાનો માર્ગ દર્શાવશે.”