મારો બોયફ્રેન્ડ હંમેશા મારાથી વાત છૂપાવે છે… જ્યારે મને બહારથી ખબર પડે છે ત્યારે એવુ કહે છે કે હું તને શાંતિથી કહેવાનો જ હતો…પણ જો મને ખબર ન પડી હોત તો એ મને ક્યારેય કહેત જ નહીં….. નીશાની આ ફરિયાદ કાયમ રહેતી. આવો જ બીજો કિસ્સો છે માનસીનો….માનસી હંમેશા સ્ટ્રેસમાં રહે છે. તેને કાયમ એવુ લાગ્યા કરે છે કે તેના પતિ તેનાથી કંઈ છૂપાવે છે અને તેની સાથે બધી વાત શેર નથી કરતાં. રાગિણી કહે છે કે મારા પતિ મારા સિવાય અન્ય તમામ સ્ત્રીઓ સાથે હસીને ખુશ થઈને વાત કરે છે. મારી બહેનો સાથે પણ ખુશ થઈને વાત કરે છે. બસ મારી સાથે જ સીધી રીતે વાત નથી કરતાં. મેનકા કહે છે કે મારા પતિ બધે એકલા જ જાય છે અને જ્યારે કોઈ પુછે કે ભાભી ન આવ્યા…? ત્યારે તે કહે છે કે એ તો બહાર ગઈ છે. મને પછીથી ખબર પડે છે. તે મને ક્યાંય લઈ જવા જ નથી માગતા. આ તમામ કિસ્સામાં એક વાત કોમન છે અને એ વાત એ કે તેમનાં પાર્ટનર તેમને ખોટુ બોલે છે….શા માટે…?
જાણીતા લેખિકાનાં પ્રવચનમાં એક કિસ્સો સાંભળ્યો હતો કે એક બહેનનાં પતિ રોજ ઘરે લેટ આવે અને બહાનું બતાવે કે બાઈક બગડી ગયુ હતુ…ત્યારે લેખિકાએ સવાલ કર્યો કે જો પતિએ સાચુ કીધુ હોત કે તેનાં મિત્રો સાથે ગપાટા મારવા ઉભો રહેલો અથવા તો કોલેજની એક જૂની ફ્રેન્ડ મળી ગઈ તો તેની સાથે ચા પીવા બેસી ગયેલો તો કેટલી પત્ની સ્વીકારી શકે..બરાબર આ જ પોઈન્ટ પર આપણે આવીશું…. કોઈ પણ રીલેશનશીપમાં ખોટુ બોલવાનું પહેલુ કારણ એ જ હોય છે કે સામેની વ્યક્તિને દુખી કરવા ન માગતા હોય એટલે તેને જણાવીને તકલીફ આપવા ન માગતા હોય ત્યારે ખોટુ બોલાય છે અથવા તો સાચી વાત ફેરવી તોડીને કહેવામાં આવે છે. બીજુ કારણ એ છે કે દરેક વખતે જરૂરી નથી કે બંને પાર્ટનરની પસંદગી સરખી હોય…જો એકનું કોઈ કાર્ય અન્યને નાપસંદ પડતુ હોય તેવા કિસ્સામાં ખોટુ બોલીને બંને વસ્તુ બેલેન્સ થતી હોય છે. જેમાં પોતાનું કામ પણ થઈ જાય અને પાર્ટનરને ખોટુ પણ ન લાગે….ત્રીજુ કારણ એ છે કે જ્યારે એકબીજાની ખૂબી ખામીને સ્વીકારીને જીવવાની સ્પેસ ન હોય…પોતાની મરજી પ્રમાણે પાર્ટનરને બદલવા માગતા હોય ત્યારે એક પાર્ટનર બીજા સામે ખોટુ બોલતા હોય છે.
ચલો એક પ્રયોગ કરીએ….જો તમે ઈચ્છતા હોવ કે તમારા પાર્ટનર તમારી સાથે ખોટુ ન બોલે તો જ્યારે તે એવી કોઈ વસ્તુ કરે જેમાં તમને ખરાબ લાગે…અથવા તો તમે એ વસ્તુ ન કરવા પર આજદિન સુધી ટોકતા હોવ…તે વસ્તુ પર હવે રીએક્શન આપવાનું બંધ કરી દો…તેમને તેમની મરજી મુજબ કરવા દો….પરિણામ એવુ આવશે કે તે ખુલ્લીને તમને બધી વાત કરવા લાગશે…પ્રયત્ન કરી જો જો…