અમદાવાદ : ભૂતપૂર્વ ટેબલ ટેનિસ પ્લેયર અને અગ્રણી સ્પોર્ટ્સ એક્ટિવિસ્ટ યથાર્થ પંડ્યાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનમાં નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડ ઓફ ઇન્ડિયા, 2011ના સંપૂર્ણ અમલીકરણ માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઇએલ) દાખલ કરી છે.
આ પીઆઇએલમાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનમાં ગવર્નન્સની નિષ્ફળતા, અયોગ્ય મેનેજમેન્ટ અને એથલિટના અપૂરતાં પ્રતિનિધિત્વ સંબંધિત ગંભીર ચિંતાઓ વ્યક્ત કરાઇ છે. ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ ડી. એન. રે ની ડિવિઝન બેન્ચે આ પીઆઇએલ માન્ય રાખી છે અને સંબંધિત પ્રતિવાદીઓને નોટીસ ઇશ્યૂ કરી છે. આ પીઆઇએલ અંગે આગામી સુનાવણી 25 જુલાઇ, 2025ના રોજ થશે તથા તમામ પક્ષોને આગામી તારીખ પહેલાં તેમના જવાબ દાખલ કરવા સૂચના અપાઇ છે.
આ અંગે યથાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનમાં અયોગ્ય મેનેજમેન્ટ, ગવર્નન્સ અને એથલિટના પ્રતિનિધિત્વ જેવી ગંભીર સમસ્યાઓ પ્રવર્તી રહી છે, જેનાથી ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓની કારકિર્દીને અસર થાય છે. આ પીઆઇએલ દ્વારા અમે માનનીય કોર્ટના હસ્તક્ષેપ ઇચ્છીએ છીએ, જેથી ફેડરેશનની કામગીરી પારદર્શક રહે તથા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પ્રતિભા દર્શાવી શકે.
તેમણે ઉમેર્યું હતું કે, આ માત્ર કાનૂની જંગ નથી, પરંતુ દરેક એથલિટના હકો અને ગૌરવની લડાઇ છે. અમે ઇચ્છીએ છીએ કે સ્પોર્ટ્સ બોડી નિષ્પક્ષતા, પારદર્શિતા અને વ્યાવસાયિકતાના સિદ્ધાંતો દ્વારા સંચાલિત થાય.