ગાંધીનગરઃ રાજ્યમાં ટાઉન પ્લાનીંગની કામગીરીને ગતિશીલ અને સચોટ બનાવવાના અભિગમ રૂપે ટી.પી. સ્કીમ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયલ આ બેઠકમાં શહેરીકરણ અને શહેરી વિકાસ આયોજન ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ બની રહે તેવી નેમ સાથે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યાં છે.
આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર પાસે પ્રગતિમાં હોય તેવી અંદાજે ૪રપ જેટલી ટી.પી. સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝૂંબેશ ચલાવવામાં આવશે.
રાજ્યમાં વધુ પ્રમાણમાં ટી.પી. સ્કીમની કાર્યવાહી થઇ રહી છે તેવાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ મહાનગરોમાં ત્વરિત નિર્ણાયકતા માટે સિનીયર ટાઉન પ્લાનર કક્ષાના અધિકારીની નિયુકિત કરવાનો મહત્વનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ટી.પી. સ્કીમમાં લાંબા સમય સુધી રજૂઆતોને કારણે જે વિલંબ થાય છે તે અટકાવવા ટાઉન પ્લાનીંગ એકટની જોગવાઇઓ અનુસાર એક માસ સુધીના જ વાંધાઓ ધ્યાને લેવાશે. સમયાવધિ બાદ મળેલા વાંધા-સૂચનો કે રજૂઆતો હવે ધ્યાને લેવાશે નહિ.
મુખ્યમંત્રીએ રાજ્યમાં ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટને વધુ મેનપાવરથી સજ્જ કરવા અને વ્યાપક બનાવવા ૭૦ જેટલા જુનિયર ટાઉન પ્લાનરની નિમણૂંક પ્રક્રિયા ત્વરાએ પૂર્ણ કરવા સૂચના આપી હતી. સીધી ભરતીથી નિમણૂંક થયેલા ર૦ જેટલા જુનિયર ટાઉન પ્લાનરને તાત્કાલિક નિમણૂંક આપી દેવા પણ તેમણે સુચવ્યું હતું.
મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવે છે અને રાજ્યશાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેઓ સુદ્રઢ-સુવ્યવસ્થિત શહેરી વિકાસ આયોજનમાં ભ્રષ્ટાચાર રહિત પારદર્શીતાની નેમ સાથે સમગ્ર તંત્રનું સતત માર્ગદર્શન કરતા રહ્યા છે.
નગર આયોજન-નગર નિયોજનની કામગીરીને રાજ્યમાં વધુ પારદર્શી અને ઝડપી બનાવવા તેમજ ટી.પી. સ્કીમની જટિલ પ્રક્રિયાઓના સરળીકરણ માટે અને વિવિધ તબક્કે બેવડાતી કામગીરી અકાવવાનો પણ એક જનહિતલક્ષી નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા ખાતેની પ્રાદેશિક કચેરીઓના કર્મચારી મહેકમને તબદીલ કરી રાજ્યકક્ષાએ તેમની સેવાઓ ઉપયોગમાં લેવાશે.
વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી જેવા તંત્રવાહકોને પણ ટી.પી.ના પરામર્શ માટે સમયમર્યાદા નક્કી કરી વિલંબ નિવારવા સૂચનાઓ આપી હતી.
તેમણે આ સત્તાતંત્રોને પણ ત્વરાએ અને ઝડપથી ટી.પી. સ્કીમ ફાઇનલ કરી દેવાની સરકારની પ્રતિબદ્ધતામાં આવરી લેવા અને ઝૂંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરવા તાકિદ કરી હતી.
આ બેઠકમાં શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ. કે. દાસ, ચીફ ટાઉન પ્લાનર તેમજ શહેરી વિકાસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.