એક યુવતિ જ્યારે લગ્ન કરે છે ત્યારે નવા સંબંધ સાથેનાં હજાર સપના જુએ છે. લાખો અરમાન સજાવે છે. તેના પતિ સાથે મીઠી યાદોનાં…પત્ની તરીકે આગળનું જીવન વ્યતિત કરવા માટેના. જ્યારે હકીકતમાં શું થાય છે…એક સ્ત્રીનાં લગ્ન થાય છે ત્યારે તેની પાસેથી ઘરની શ્રેષ્ઠ પુત્રવધુ બને તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હજી તો તે ઘરનાં ઉંમરે પગ મૂક્યો હોય ત્યાં જ દરેકની પસંદ નાપસંદની જવાબદારી તેના માથે આવી જાય. એકાદ વર્ષમાં એટલી તો ઘડાઈ જ જાય છે કે તેને કાચુ સર્ટિફીકેટ મળી શકે…ના ભાઈ વહુ આમ તો હોશિયાર છે.
બીજો તબક્કો પત્નીનાં રોલનો…ઘરમાં સેટ થઈ ગયા…સગા વ્હાલા સાથે તાલ મળી ગયા…હવે આવ્યો પતિદેવનો વારો. પત્ની હજી તો વહુના રોલમાંથી કળ વાળીને બેસે ત્યાં પતિની ફરિયાદો શરૂ થઈ જાય કે તમે મારા માટે તો ટાઈમ જ નથી. લો થોડો ટાઈમ પતિને આપ્યો ત્યાં ત્રીજો તબક્કો આવી ગયો માતાનો રોલ નીભાવવાનો. આ રોલ નીભાવવામાં એટલી તો ડ઼ૂબી ગઈ કે એ તો ભૂલી જ ગઈ કે તે એક પત્ની પણ છે. બાકીનો બચેલો ટાઈમ તેણીએ ભાભી, કાકી, માસી અને મામી બનવામાં કાઢી દીધો…હવે વર્ષો વિતી ગયા પછી પછતાવો થાય છે કે તે સમયે મારી અંદરની પત્નીને જીવંત રાખી હોત તો સારુ હતુ…!
આખી વાતમાં પહેલા તબક્કામાં તમે અન્યનો વાંક કાઢી શકો, પરંતુ તે સિવાયનાં બધા જ તબક્કામાં તો પત્ની પોતે જ જવાબદાર હોય છે. સામાન્ય રીતે પત્નીઓની આ ફરીયાદ હોય છે કે તેમનાં પતિને કોઈ ફરક જ નથી પડતો કે તે શું પહેરે છે કે શું ગમે છે….સવાલ એ છે કે તેમણે કેટલો રસ દાખવ્યો પત્ની બનવામાં. ઘણી સ્ત્રીઓનાં મોઢે તમે સાંભળ્યુ હશે કે એક સ્ત્રી જ્યારે લગ્ન કરીને આવે છે ત્યારે તે ફક્ત પતિ સાથે જ નથી જોડાતી પરંતુ તેના પરિવારને, તેના ઘરને પણ અપનાવે છે. ખૂબ સાચી વાત, પણ જેના લીધે સાસરિયાનું સર્વસ્વ છે તે વ્યક્તિ પર ધ્યાન આપવાને બદલે બધી વસ્તુમાં મહારત હાસિલ કરી લો તો પણ શું? લગ્નનાં પહેલા દિવસે પણ તમે પત્ની પહેલા હતા અને લગ્નનાં ૩૦ વર્ષ પછી પણ તમારો પહેલો રોલ તો પત્નીનો જ હોય છે….સવાલ એ છે કે તમે કેટલા ટકા આ રોલને મહત્વ આપો છો…! વિચાર કરી જો જો….