અમદાવાદ : અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જાેવા મળ્યો હતો, ત્યારે હવામાન વિભાગે આગામી ૬ દિવસમાં અમુક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ ઍલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપી છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.
સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જાેર દિવસો પછી પણ યથાવત્ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૨૮ મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ૧૨થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આવતીકાલે શુક્રવારે એટલે કે ૨૩ મેથી ૨૫ મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ૨૬ મેના રોજ રાજ્યના ૧૫ જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં ૫૦-૭૦ કિ.મી.ની ઝડપે પવન ફૂકાવવાની સાથે મેઘગર્જના થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ૨૭ મેના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ૨૮ મેના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ગુરુવારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું હતું.
ગુરુવારે રાજકોટ, ગોંડલ, ઉપલેટા અને પોરબંધરમાં વરસાદ ખાબક્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સતત વરસી રહ્યો છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસતા ખોડૂતોના પાકને નુકસાન થવાનો ભય છે. ભયંકર ગરમી અને બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં ઠંડક પ્રસરી છે. ઉપલેટા ગ્રામ્ય વિસ્તાર માં વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી હરિયાશણમાં કમોસમી આફત રૂપી વરસાદ છે. ઉપલેટામાં કાળા ડીબાગ વાદળો છવાયા જયારે ગ્રામ્ય વિસ્તાર મોટી પાનેલી હરિયાસણમાં કમોસમી ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના કોલકી ખારચીયામાં ઝરમર વરસાદ છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો છે. પોરબંદરમાં ભારે પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો પોરબંદરના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે.