સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યાના લગભગ નવ મહિના પછી, તે જ સ્થળે યોદ્ધા રાજાની 91 ફૂટ ઊંચી નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. અગાઉની 35 ફૂટની પ્રતિમા ઓગસ્ટ ૨૦૨૪માં તૂટી પડી હતી, જે તેની સ્થાપનાના આઠ મહિનાથી પણ ઓછા સમયમાં થઈ હતી, જેના કારણે મહારાષ્ટ્ર સરકાર સામે વ્યાપક રોષ ફેલાયો હતો. તે પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ નૌકાદળ દિવસની ઉજવણી દરમિયાન કર્યું હતું. આ મૂર્તિ તૂટી પડવાથી તેના શિલ્પકાર-ઠેકેદાર જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના માલવણના કિલ્લામાં નવી ભવ્ય પ્રતિમાના અનાવરણ પ્રસંગે બોલતા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, નવી પ્રતિમા કોઈપણ વાતાવરણમાં ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ સુધી ટકી રહે તે માટે પૂરતી કાળજી લેવામાં આવી છે. પ્રતિમાની જાળવણી તેને બનાવનારાઓને સોંપવામાં આવી છે.
“આ પ્રતિમા 91 ફૂટ ઊંચી છે અને તેની ટોચ 10 ફૂટ ઊંચી છે,” તેમણે કહ્યું. આ પ્રતિમા બનાવવાનો કોન્ટ્રાક્ટ પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર અને અનિલ સુતારની કંપની રામ સુતાર આર્ટ ક્રિએશન્સ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો, જેમણે ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘નું નિર્માણ કર્યું હતું. ફડણવીસે કહ્યું કે તે ભૂતકાળમાં જાેવા મળેલા તોફાનો કરતાં વધુ તીવ્રતાનો સામનો કરી શકે છે. તેમણે કહ્યું કે આ કદાચ દેશમાં છત્રપતિ શિવાજીની સૌથી મોટી પ્રતિમા છે.
“પ્રતિમા ધરાશાયી થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પછી, અમે નક્કી કર્યું હતું કે કોઈપણ સંજાેગોમાં, અમે છત્રપતિ શિવાજી મહારાજની બીજી ભવ્ય પ્રતિમા બનાવીશું,” ફડણવીસે કહ્યું. તેમણે કહ્યું કે કિલ્લાની બાજુમાં આવેલી જમીન સારી સુવિધાઓ માટે સંપાદિત કરવામાં આવશે.
તેમણે કહ્યું કે આ પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી છે, જેમણે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ કર્યું હતું, તેમણે એન્જિનિયરો અને જેજે સ્કૂલ ઓફ આર્ટ્સના વડા સાથે મળીને આ પ્રતિમા બનાવી છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ઓગસ્ટ ૨૦૨૪ માં પ્રતિમા ધરાશાયી થયા પછી, રાજ્ય સરકારે આવી જ પ્રતિમા બનાવવાનો ર્નિણય લીધો હતો, અને તે મુજબ સૂચનાઓ આપવામાં આવી હતી.
નવી પ્રતિમામાં શિવાજી મહારાજને ૨૯ ફૂટ લાંબી તલવાર ચલાવતા દર્શાવવામાં આવ્યા છે. શિંદેએ કહ્યું કે ડિસેમ્બર ૨૦૨૩ માં પીએમ મોદીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
“આજે, તેઓ (પીએમ) અહીં નથી પરંતુ તેઓ રાષ્ટ્રનું રક્ષણ કરતા સૈનિકોની પાછળ મજબૂત રીતે ઉભા છે. તેઓ કોઈ પ્રકારનું શિવકાર્ય પણ કરી રહ્યા છે,” શિંદેએ કહ્યું.