ગઇકાલે માતૃદિનની ઉજવણી થઇ ગઇ. લોકોએ સોશિયલ મીડિયા પર સેલ્ફીસ, સ્ટેટસ, અનેક ફોટોઝ, અનેક પોસ્ટ કરી પોતાની માતા પ્રત્યેના પ્રેમને પ્રદર્શીત કર્યો. જાણે એવું જણાઇ આવતું હતું કે હવે કોઇ ‘મા’ ઘરડાઘરમાં જોવા મળશે નહિં, પણ વાસ્તવિકતા કંઇક અલગ જ જણાઇ આવે છે.
સોશિયલ મીડિયા પર માતાને પોતાની લાગણીઓ જણાવા કરતાં માતા સાથે થોડો સમય વિતાવ્યો હોત તો પણ મધર્સ ડે સાર્થક નીવડ્યો હોત. ઘણી ઘરડી માતાઓ તો સોશિયલ મીડિયા વિશે અજાણ જ હોય છે. જો વાસ્તવિકતા જાણવી હોય તો ઘરડાઘરની મુલાકાત ચોક્કસ લેવી.
અમદાવાદ સ્થિત જીવનસંધ્યા ઘરડાઘર ખાતે કેક કટિંગ કરી સંગીતના તાલે માતૃ દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઘરડાઘરના વૃદ્ધોની સાથે મુલાકાતીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
જીવનસંધ્યા વાનપ્રસ્થાશ્રમના ટ્રસ્ટી તરીકે ફરજ નિભાવતા ડિમ્પલબેન શાહ આ વિશે જણાવે છે કે યુવા પેઢી હોશિયાર તો બની પણ સરળતા ગુમાવી દીધી છે. અહિં ઘરડાઘરમાં રહેતા વૃદ્ધો એ આશા જીવંત રાખે છે કે ક્યારેક તો કોઇ તેમને ઘરે લઇ જશે. તેઓનો દિવસ તો ગમે તે રીતે પસાર થઇ જાય છે, પણ રાત્રી તેમના માટે કપરી બને છે, કારણ કે તેમને તેમના સંતાનોની ખૂબ જ યાદ આવતી હોય છે. પોતાના માતા-પિતાને ઘરડાઘરમાં મૂકનાર સંતાનો પણ પોતાને ઘરડાઘરમાં મૂકવાનો રસ્તો સરળ બનાવી રહ્યાં છે, કારણ કે તેમના સંતાનો પણ આ તમામ ઘટના નિહાળે છે અને તેનું પુનરાવર્તન પણ કરે છે.
તેઓ વધુમાં જણાવે છે કે આજની યુવા પેઢીમાં સમજશક્તિનો અભાવ જોવા મળે છે તેને કારણે દિવસે-દિવસે ઘરડાઘરની સંખ્યામાં વધારો ચોક્કસ થશે. તેઓમાં લાગણીઓ રહી જ નથી અથવા છે તો અલ્પ છે. કુંટુંબો વિભક્ત બની રહ્યાં છે. નોકરીમાં વ્યસ્તતા અને પેઢી વચ્ચેનો વિચારભેદ વધી રહ્યાં છે. યુવા પેઢી પાશ્ચત વિચારસરણી તરફ ધકેલાઇ રહ્યાં છે. આ બધા કારણોને કારણે વૃદ્ધાશ્રમની સંખ્માં વધારો થઇ રહ્યો છે અને હજુ પણ વધશે.
જીવનસંધ્યા ઘરડાઘરને કુલ ૧૯૦ વડિલોએ નિવાસસ્થાન બનાવ્યું છે, જેમાં ૧૦૦ મહિલાઓનો સમાવેશ થાય છે.
ખોટા દેખાવને દૂર કરો અને માતા-પિતાની સેવા કરો. સાચુ સ્વર્ગ તો માતા-પિતાના ચરણોમાં જ છે. આજની આ પેઢી આ વાત સમજે તો આવી ઘટનાઓને ચોક્કસ રોકી શકાશે.