કેન્દ્રીય સંસ્કૃતિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે શુક્રવારે આ બહુમાન અંગે જાણકારી આપતાં તેને ભારતની સભ્યતાના વારસાની ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ‘શ્રીમદ્ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર હવે યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં અંકિત થયા છે. આ વૈશ્વિક સન્માન ભારતના શાશ્વત બુદ્ધિમાન અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે. આ કાલાતીત કૃતિઓ સાહિત્યિક ખજાના કરતાં વિશેષ છે. તે દાર્શનિક અને સૌંદર્યનો પાયો છે ભારતના વિશ્વ પ્રત્યેના દ્રષ્ટિકોણને આકાર આપે છે. તે આપણને વિચાર, અનુભવ, જીવન જીવવા અને વ્યક્ત કરવાની રીતો સૂચવે છે.‘
વડાપ્રધાન મોદીએ પણ X પર ટ્વિટ કર્યું હતું કે, ‘યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ એ આપણા કાલાતીત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપી રહી છે.‘
મેમોરી ઓફ વર્લ્ડ રજિસ્ટરમાં વિશ્વ માટે ઉપયોગી અને વૈશ્વિક સ્તરે ડોક્યુમેન્ટ્સને સામેલ કરવામાં આવે છે. ઈન્ટરનેશનલ એડવાઈઝરી કમિટીની ભલામણ બાદ તેને ડોક્યુમેન્ટમાં સામેલ કરવા સ્થાન મળ્યું છે. આ ડોક્યુમેન્ટની સાચવણી માટે સુરક્ષા પણ પ્રદાન કરે છે. મે, ૨૦૨૩ સુધી ૪૯૪ અભિલેખોને તેમાં સામેલ કરવામાં આવ્યા હતાં.
ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં સંગીતની વિદ્યાઓની સાથે સાહિત્યની અનેક વિદ્યાઓને સુક્ષ્મ રૂપે દર્શાવવામાં આવી છે. જેમાં સંગીત, નૃત્ય, કવિતા, નાટક અને સૌંદર્યશાસ્ત્રની અન્ય વિદ્યાઓ સામેલ છે. ભરત મુનિના નાટ્યશાસ્ત્રથી જ આધુનિક સમયમાં અનેક વાદ્યયંત્રોની માહિતી મળી હતી. તેમજ શ્રીમદ ભગવદ્ ગીતા સનાતન ધર્મનો અત્યંત પ્રાચીન પવિત્ર ગ્રંથ છે.