અયોધ્યા : ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર લગભગ ૯૬ ટકા બનીને તૈયાર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જૂન-જુલાઇ સુધીમાં મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે રવિવારે જણાવ્યું હતું કે ધાર્મિક પર્યટનમાં તેજી વચ્ચે ટ્રસ્ટે છેલ્લા 5 વર્ષમાં સરકારને લગભગ 400 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તેમણે કહ્યું કે આ રકમ 5 ફેબ્રુઆરી, 2020થી 5 ફેબ્રુઆરી, 2025ની વચ્ચે ચૂકવવામાં આવી છે. આમાંથી, 270 કરોડ રૂપિયા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ચૂકવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 130 કરોડ રૂપિયા વિવિધ અન્ય કર શ્રેણીઓ હેઠળ ચૂકવવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે, અયોધ્યામાં ભક્તો અને પ્રવાસીઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે, જેના કારણે તે એક મુખ્ય ધાર્મિક પર્યટન સ્થળ બન્યું છે અને સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઉભી થઈ છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન 1.26 કરોડ ભક્તો અયોધ્યા આવ્યા હતા. રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું નિયમિતપણે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે છે.
એક બેઠક યોજવામાં આવી હતી જેમાં, મંદિર પર થયેલાં ખર્ચ અને રામ મંદિર નિર્માણ પ્રગતિ પર ટ્રસ્ટીઓએ ચર્ચા કરી હતી. મહામંત્રી ચંપત રાયે જણાવ્યું કે, 5 ફેબ્રુઆરી 2020માં ટ્રસ્ટનું ગઠન થયું હતું. 28 ફેબ્રુઆરી, 2025 સુધી 5 વર્ષમાં ટ્રસ્ટના એકાઉન્ટથી સરકારની વિભિન્ન એજન્સીઓને 396 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જીએસટી 272 કરોડ, ટીડીએસ 39 કરોડ, લેબર સેસ 14 કરોડ, ઈએસઆઈ 7.4 કરોડ, વીમામાં 4 કરોડ, જન્મભૂમિના નકશા માટે અયોધ્યા વિકાસ સત્તામંડળને 5 કરોડ, અયોધ્યામાં જમીન ખરીદી પર 29 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી, 10 કરોડ વીજળી બિલ, 14.9 કરોડ રૉયલ્ટી રૂપે સરકારને આપવામાં આવ્યા છે, તેમાં પથ્થરની રૉયલ્ટી રાજસ્થાન સરકાર, કર્ણાટક સરકાર, મધ્ય પ્રદેશ સરકાર અને યુપી સરકારને આપવામાં આવી છે.
5 વર્ષમાં કુલ 2150 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નિર્માણ કાર્યની જમીન પણ ખરીદવામાં આવી છે. ખાસ વાત એ છે કે, આ સહયોગ ટ્રસ્ટને સમાજમાંથી મળ્યો છે પરંતુ, સરકારની કોઈપણ આર્થિક મદદ નથી લેવામાં આવી. વોટર ટેક્સ હજુ સુધી આપવામાં નથી આવ્યો કારણ કે, નિગમમાંથી પાણી લેવામાં નથી આવતું. રાજકીય નિર્માણ નિગમ યુપીને 200 કરોડ આપવામાં આવી રહ્યા છે, જેમાં રામકથા સંગ્રહાલય, વિશ્રામગૃહ, 70 એકરની ચારેબાજુ ત્રણ દ્વારનું નિર્માણ થઈ રહ્યું છે.