૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં પ્રસરેલા તોફાનોમાં આણંદ જિલ્લાના ઓડ ગામમાં તોફાની ટોળાએ ૧ માર્ચ, ૨૦૦૨ના રોજ પીરવાળી ભાગોળ વિસ્તારની ઝાંપલીવાલા બિલ્ડીંગમાં આગ ચાંપતા ૨૩ લોકોના સળગીને મોત થયા હતા. આ હત્યાકાંડની ફરિયાદ ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી.
ત્યારબાદ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઈટી)ને સોંપવામાં આવી હતી. હત્યાકાંડમાં ૪૬ લોકોની સંડોવણી હોવાનું બહાર આવતા તેમના વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આણંદની સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ૧૫૮ સાક્ષીઓ અને ૧૭૪ દસ્તાવેજી પુરાવાઓના આધારે ૧૨ એપ્રિલ ૨૦૧૨ના રોજ સ્પેશિયલ કોર્ટના જજ પૂનમ સિંઘે આ કેસમાં ૨૩ લોકોને દોષિત ઠેરવ્યા હતા.
જેમાંથી ૧૮ આરોપીઓને આજીવન કેદની અને પાંચ આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફરમાવી હતી. આ બાબતે આ હત્યાકાંડમાં ૧૪ આરોપીઓનીની આજીવન કેદની સજા યથાવત રાખી છે અને ચાર આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડયા છે. હરીશ પટેલ નામના એક આરોપીનું અપીલ દરમિયાન મોત થયું હતું. ઉપરાંત જે પાંચ આરોપીઓને સાત વર્ષની સજા મળી હતી તેમની સજા પણ કોર્ટે યથાવત રાખી છે.
આ આરોપીઓએ સ્પેશિયલ કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જે અંતર્ગત જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ બી.એન. કારિયાની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી ચાલી હતી અને ૧૨મી એપ્રિલ,૨૦૧૮ના રોજ સુનાવણી પૂર્ણ કરી ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. સ્પેશિયલ કોર્ટે જે પાંચ આરોપીઓને સાત વર્ષની સજા આપી હતી તે ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે.