અમદાવાદ : ઉત્તરાયણ દરમિયાન તીવ્ર ઠંડીના રાઉન્ડ બાદ તરત જ ઠંડી ઓછી થઈ ગઈ હતી. દિવસે તો જાણે ગરમી અનુભવાતી હતી. જોકે, શિયાળો ગયો નથી. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે ઠંડીના તીવ્ર રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય. તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી. જોકે, આ દરમિયાન ત્રણ જિલ્લામાં પારો સિંગલ ડિજિટમાં જવાની આગાહી પણ તેમણે કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હમણા ઝાકળની શક્યતાઓ નથી. ઝાકળનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગો પરથી એન્ટી સાયક્લોન પસાર થયું હતું, જે અત્યારે નબળું પડી વિખાઈ રહ્યું છે. અત્યાર સુધી તેના કારણે પવનની દિશા બદલાઈ હતી, હવે તેમાં બદલાવ થશે. આજથી પવનની દિશા ઉત્તર તરફની થઈ જશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ભારત નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે. સાથે ઉત્તરના પવનો થવાને કારણે ફરીથી આપણે ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે.