અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર અચાનક ગાય આવી જતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી જતાં અકસ્માતમાં 5માંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ – ઇન્દોર હાઇવે કઠલાલમાંથી પસાર થાય છે. આ દરમિયાન અચાનક રસ્તાની વચ્ચે એક ગાય આવી ગઈ હતી. જેના કારણે ઇકો કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર હાઇવેના ડિવાઇડર પર ચઢી ગઈ હતી. બાદમાં કાર લોખંડના લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. જેથી અકસ્માતમાં કારનો આગળનો બમ્પર વાંકો થઈ ગયો હતો. ગોઝારા અકસ્માતમાં કાર ચાલક સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. રાહદારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને 4 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. ઉપરાંત, કારમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ કઠલાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. તપાસ અધિકારી કઠલાલ પીઆઈ એમ.વી. ભગોરાએ જણાવ્યું હતું કે ઘાયલ ફરિયાદી સંજય પૂજાસિંહ ઠાકોરની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે. જેમાં કાર ચાલક સહિત 4 લોકોનો સમાવેશ થાય છે.