સંયુક્ત કુટુંબમાં બાળકોના ઉછેર અને સંસ્કારોનું સિંચન કરી જીવનનું ઘડતર કરવામાં વડીલોની મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકો સાથે બાળક બની દાદા દાદી બાળકોને અવનવી વાર્તાઓ અને ઉદાહરણો દ્વારા જીવનનું વ્યવહારુ જ્ઞાન સરળતાથી આપતા હોય છે. ત્યારે દાદા દાદી પ્રત્યે સન્માન અને આદર ભાવ વ્યક્ત કરવા વિશ્વ આખામાં ગ્રાન્ડ પેરેન્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. જે તકે વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પણ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
14મી ડિસેમ્બરના રોજ, વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલે અપાર ઉત્સાહ અને પ્રેમ સાથે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની આનંદપૂર્વક ઉજવણી કરી હતી. આ ઇવેન્ટમાં 200થી વધુ દાદા દાદીની હૃદયસ્પર્શી હાજરી જોવા મળી હતી, જેણે તેને ખરેખર યાદગાર પ્રસંગ બનાવ્યો હતો.
રુત્વી વ્યાસ અને જ્યોતિ શુક્લા સાથે આચાર્ય ધારિની શુક્લાએ, દાદા દાદીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કર્યું, તેમજ આ પ્રસંગે ભાવિ પેઢીને ઘડવામાં તેમની અમૂલ્ય ભૂમિકા બદલ આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ, નાના ભૂલકાઓ દ્વારા કરવામાં આવેલા સ્ટેજ પરફોર્મેન્સને કારણે હાજર ઉપસ્થિત મહેમાનો, ગ્રાન્ડ પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ રાજી રાજી થઈ ગયા હતા. કાર્યક્રમના અંતે સ્વાદિષ્ટ નાસ્તો આપી પ્રસંગનું સમાપન કરવામાં આવ્યું હતુ.
આ તકે સ્કુલ મેનેજમેન્ટ દ્વારા તમામનો આભાર માનતા જણાવાયું કે, આ પ્રસંગે અમારી સાથે જોડાયા અને આ ઉજવણીને અસાધારણ બનાવી તે માટે અમે તમામ પેરેન્ટ્સનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ!
નોંધનીય છે કે, સોશ્યલ મીડીયાના કારણે આજે જનરેશન ગેપ વધુ જોવા મળી રહ્યો છે ત્યારે આજના યુવા પેઢીઓ વડીલોનું, પરિવારજનોનું મહત્વ સમજે, તેમણે સમાજમાં આપેલ યોગદાન, જ્ઞાન અને પ્રતિભાને જાણી શકે તે માટે રાજય સરકારના આદેશથી સ્કુલોમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેનું આયોજન કરવા સુચના આપવામાં આવી હતી.