નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારતમાં ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી શિયાળાની ઋતુ પ્રમાણમાં ગરમ એટલે કે ઓછી ઠંડી રહેશે આ સિઝનમાં કોલ્ડ વેવ – શીત લહેરના દિવસો પ્રમાણમાં ઓછા રહેશે અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. ઑક્ટોબર અને નવેમ્બરના પાનખર મહિનામાં રેકોર્ડબ્રેક ઊંચા તાપમાન પછી, શિયાળો હળવો રહેવાની ધારણા છે અને કોલ્ડ વેવના દિવસો ઓછા રહેશે. એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે
સામાન્ય વર્ષમાં, શિયાળા દરમિયાન પાંચથી છ કોલ્ડ વેવના દિવસો આવતા હોય છે; પરંતુ આ વર્ષે 2024-25માં કોલ્ડ વેવના દિવસોની સંખ્યા ઘટીને બે કે ચાર દિવસમાં રહેવાનો અંદાજ છે. દક્ષિણ દ્વીપકલ્પના પ્રદેશમાં સામાન્યથી નીચે સરેરાશ તાપમાન જોવા મળી શકે છે, પરંતુ મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. નવેમ્બરમાં ગરમ હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવનું પરિણામ હતું. દિવસના તાપમાનની દ્રષ્ટિએ નવેમ્બર 2024નો મહિનો ભારત માટે 1901 પછીનો બીજો સૌથી ગરમ મહિનો હતો અને સરેરાશ તાપમાનની દ્રષ્ટિએ ત્રીજો સૌથી ગરમ મહિનો હતો. ઉત્તરપશ્ચિમ ભારત માટે, સરેરાશ તાપમાનની દ્રષ્ટિએ 1901 પછીનો નવેમ્બર સૌથી ગરમ અને દિવસ અને રાત્રિના તાપમાનની દ્રષ્ટિએ બીજો સૌથી ગરમ મહિનો હતો.