અમદાવાદ: રવિવારે સવારે કર્ણાવતી કલબના ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે દેશભરમાં અનેક સ્થળોએથી ખાસ ઉપસ્થિત રહેલા આશરે 3,000 ઉપરાંત યુવાઓ, બાળકો અને વડીલોએ લગભગ પાંચ કલાક ચાલેલા પૂજ્ય શ્રી ઉદયવલ્લભસૂરિ મહારાજ સાહેબના અનોખા વ્યાખ્યાન શિબિરનો આનંદ માણ્યો હતો.
છેલ્લા 15 વર્ષોથી ચાલતી અતિ લોકપ્રિય એવી આ વ્યાખ્યાન-શિબિર શૃંખલાનો આ 200મો કાર્યક્રમ હતો. આજના આ સેશનના અંતમાં એશિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા 200 અલગ-અલગ વિષય આધારિત યુવાનોમાં પ્રેરણાનો સ્ત્રોત પ્રસરાવનાર પૂજ્યશ્રીના તમામ સેશનની ચકાસણી કર્યા બાદ, પૂજ્યશ્રીને એશિયા બુક ઓફ રેકોર્ડ એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત 150માં સેશનમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા એનાયત કરવામાં આવેલા એવોર્ડને ફરી એક વખત અપગ્રેડ કરીને સન્માનિત કરાયા હતા.
આ સેશનમાં 15થી 35 વર્ષના હજારો ભારતીય યુવાનોમાં આદર્શ જીવનમૂલ્યોના સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જળવાય અને આપણા આધ્યાત્મિક મૂલ્યો અનુરૂપ સમાજનું ઘડતર થાય તે માટે દ્રષ્ટાંત અને દલદિલ સાથે સમાજ આપવામાં આવે છે. આ સેશન દરમિયાન યુવાનોને શિવાજી મહારાજ, વીર સાવરકર અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વ્યક્તિઓના શૌર્ય, સંસ્કૃતિ અને નેતૃત્વ ગુણોથી પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી અવિરતપણે ચાલતી આ સેશન્સ મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં ધૂમ મચાવી ચુકી છે.
મહારાજશ્રી યુવાનોને કહ્યું કે હવે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી ખૂબજ જરૂરી છે. જિંદગી જે કારણોસર મળી હોય તેની માટે જ વાપરવી જોઈએ, આ ઉપરાંત પૂજ્યશ્રીએ યુવાનોને આપણા જીવનમાં શું-શું મળ્યું છે અને તે કેટલું મહત્ત્વનું છે અને આ વિષય પર પણ મર્મ સાથે સમજણ આપી હતી. આ સેશન દરમિયાન પૂજ્યશ્રીએ યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે, આપણે માનવ તરીકે જીવનમાં મળેલા લાભોને યાદ રાખવા જોઈએ, ખાસ કરીને જ્યારે આપણને અમુક વસ્તુઓ ના મળવાનું ડિપ્રેશન કે દુખ થતું હોય.
તેમણે યુવાનોને આહવાહન આપતા કહ્યું કે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવીને આપનો સમાજ ખોટા માર્ગે જઈ રહ્યો છે. જે વસ્તુઓની કિંમત ઓછી કે નહિવત હોવી જોઈએ તે આપણા જીવનમાં વધારે પડતી અગત્યની બની ગઈ છે અને જે બાબતો સહુથી અગત્યની હોવી જોઈએ તે નકારાઇ રહી છે. વિદેશ વસવા જતાં યુવાનોને તેમણે ત્યાંનાં ચળકાટ અને મોહમાયાથી અભિભૂત થવાની બદલે માત્ર પોતાના ઉદેશ્ય ઉપાર્જ ધ્યાન આપવું જોઈએ અને પોતાના સંસ્કારોની રક્ષા કરવી જોઈએ.
આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે કોઈપણ માઈક કે ઓડિયો સિસ્ટમ વિના મહારાજશ્રીના રણકતો અવાજ હજારો લોકો સહેલાઈથી સાંભળી અને સમજી શકે છે. આજે PYS યુવાનો માટે એક ક્રાંતિકારી પ્રેરણાનું ઉદાહરણ બની રહ્યું છે, જે આગામી વર્ષોમાં સમાજમાં શ્રેષ્ઠ પરિવર્તન લાવશે. આ મહત્વાકાંક્ષી અને પ્રેરક પ્રયત્નો સફળતાપૂર્વક યુવાનોના આદર્શ જીવન નિર્માણ તરફ એક મોટું પગલું ભર્યું છે.
PYS એ આદરણીય જૈનાચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરીજી મહારાજ સાહેબ દ્વારા માર્ગદર્શન આપવા માટે વિચારપૂર્વક રચાયેલ સેશન્સની શ્રેણી છે. છેલ્લા 15 વર્ષોમાં, આ સેશનોએ આધુનિક દ્રષ્ટાંતો સાથે વિશ્લેષણ, તાર્કિક દલીલો અને પરંપરાગત મૂલ્યોની વાતોના અનોખા મિશ્રણ સાથે જીવન-કેન્દ્રિત વિષયોને સંબોધીને, ખાસ કરીને જૈન અન્ય બધાજ સમાજના યુવાનોમાં ભારે લોકપ્રિયતા મેળવી છે. મુંબઈ, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર જેવા શહેરોમાં નિયમિત રીતે યોજાતા આ સેશને, હજારો યુવા વ્યક્તિઓના જીવનને સ્પર્શ્યું છે. દરેક સત્ર નવા વિષયો ઉપર આધારિત હોય છે જેમ કે, રાષ્ટ્રભાવના, લીડરશિપ, શ્રદ્ધા, શૌર્ય, વિવેકની વાતો સાથે સંસ્કૃતિપ્રેમ, નિઃસ્વાર્થભાવ, કરુણા, સદાચાર, સ્વભાવને સુધારવાની કળા, પૉઝિટિવિટી, ભૂલોમાંથી શીખવાની કળા, વગેરે.
આગળ જઈને, PYS નો ઉદ્દેશ્ય નૈતિક અને સાંસ્કૃતિક મૂળ ધરાવતા યુવાનોની પેઢી તૈયાર કરવાનો છે. ચારિત્ર્ય નિર્માણ અને સર્વગ્રાહી વિકાસ પર તેના ભાર સાથે, સામાજિક અને વ્યક્તિગત વિકાસ માટે પ્રતિબદ્ધ યુવા વ્યક્તિઓનું એક મજબૂત નેટવર્ક બનાવવાની કલ્પના કરે છે.
મહારાજશ્રી દ્વારા આ મહિનાના અંતમાં રાજસ્થાનના પાવપૂરી તીર્થ ખાતે પાંચ-દિવસીય શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.