અમદાવાદઃ આજથી આદ્યશક્તિ માઁ અંબાની ઉપાસના અને આરાધનાના પાવન પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ખાતે આવેલી નારાયણા બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓમાં નવરાત્રિને લઈને ભારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. નારાયણ બિઝનેસ સ્કૂલ ખાતે નવરાત્રિ પહેલા નવરાત્રિના એક દિવસ પહેલા ગરબા-દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાત્રિ બિફોર નવરાત્રિ નામક આ આયોજનમાં ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમી નવરાત્રિના પર્વને આવકાર આપ્યો હતો.
આ આયોજન વિશે નારાયણા બિઝનેસ સ્કૂલના આસિસ્ટંટ પ્રોફેસર માનસી જોશીએ જણાવ્યું હતુ કે અમે છેલ્લા 24 વર્ષથી અહીં નારાયણા બિઝનેસ સ્કૂલ ખાતે આદ્યશક્તિ માઁ અંબાના પાવન પર્વની ઉજવણી કરીએ છીએ. આ વર્ષે આ આયોજનની એ વિશેષતા છે કે આ વર્ષે અહીં ભારતના 24 રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ગરબા માટે આવ્યા છે. જેથી આપણા સાંસ્કૃતિ રીતે સમૃદ્ધ વારસાનો પરિચય કરાવી શકીએ. તેઓને અમે ગરબા શીખવાડ્યા છે, જેઓને ભાતીગળ રંગબેરંગી પરિધાન પહેરીને ગરબે ઘૂમતા જોવા પણ એક અનેરો લાહવો છે. આ તક માટે અમે અમારા સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ ગરબા આયોજનને લઈને નારાયણા બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત બહારના અનેક વિદ્યાર્થીઓ પણ આ આયોજનમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. આ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કેટેગરીમાં ઈનામો પણ વિતરિત કરવામાં આવ્યા હતા.