રાજ્ય સરકાર દ્વારા જળસંચયના પાણીની રાજ્યવ્યાપી સમસ્યાના કાયમી ઉકેલ માટે પાણીનું સ્તર ઉંચુ લાવવા તેમજ પાણીની અછત અટકાવવાના હેતુથી નદીઓના પુર્નજીવિત કરવાના કામો હાથ ધરાયા છે જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની પાનવા ગામમાંથી પસાર થતી લાવરી નદીનો, ૬ કી.મી.ના અંતરમાં મનરેગા યોજના હેઠળ અને આંબાતલાટ ગામની તાન નદીની ઉપનદી ખોરીચીમાળી જેનો ૭.૨૧ કી.મી. વિસ્તાર મનરેગા અને PMKSY વોટરશેડનાં સહભાગીદારીથી કામગીરી કરી નદીને પુર્નજીવિત કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે એમ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.
જળ અભિયાન હેઠળ લાવરી નદીના ૬ કિ.મી.ના અંતરમાં ભૂમિ, ભેજ અને જળ સંરક્ષણના કુલ ૩૮ કામો અંદાજે રૂા.૬૫.૬૦ લાખના ખર્ચે કરાશે જેમાં કુલ ૨૫,૬૮૯ માનવદિન ઉત્પન્ન થશે. જ્યારે ખોરીચીમાળી નદીનાં ૭.૨૧ કિ.મી.ના અંતરમાં રૂા.૧૦૫.૫૮ લાખના ખર્ચે કુલ ૧૩૩ કામો કરાશે જેમાં ૩૫,૦૪૯ માનવદિન ઉત્પન્ન થશે. આ કામોથી વધુ પ્રમાણમાં પાણી સંગ્રહ કરી શકાશે અને જળસ્તર ઉંચા આવશે.
ગુજરાતના મૌનસિનરમ તરીકે ઓળખાતો વલસાડ જિલ્લાનો ધરમપુર તાલુકો ખુબ જ મોટો ભૌગોલિક વ્યાપ ધરાવે છે. ચોમાસા દરમિયાન સરેરાશ ૨૦૦૦ મિ.મિ.કરતા વધુ વરસાદ પડે છે પરંતુ આ વિસ્તાર ઘણોજ અંતરિયાળ, દુર્ગમ, ડુંગરાળ હોવાથી ચોમાસુ સારૂ હોવા છતાં વરસાદનું પાણી સીધુ દરિયામાં વહી જાય છે, તેમજ વધુ વરસાદને કારણે જમીનનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટવાથી પાક ઉત્પાદન પર અસર થાય છે જેના કારણે વર્ષ દરમિયાન એક જ વાર ખેતી થવાથી લોકોના સ્થળાંતરના પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. ઉપરાંત ઉનાળાની ઋતુ દરમિયાન પાણીના તળ નીચા જવાથી શરૂઆતથી જ પાણીની અછત વર્તાય છે.
આ વિસ્તારમાં પીવાનું પાણી હેન્ડપંપ, કુવા દ્વારા ઉપલબ્ધ થાય છે. જો કે ફેબ્રુઆરીથી જુન સુધીમાં વોટર ટેબલ ૧૦ થી ૧૨ મીટર જેટલું નીચે જાય છે અને પીવાના પાણીની તીવ્ર અછત સર્જાય છે. ચોમાસા દરમિયાન સરફેસ વોટર દ્વારા પાણીનો સંગ્રહ થતાં પાણીનું તળ ૬ થી ૮ મીટર જેટલું ઉંચુ આવે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર, નાગલી, કઠોળ વર્ગનાં પાકો લેવામાં આવે છે. જેની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત કરવામાં આવે છે. જેથી વર્ષમાં માત્ર એકવાર પાક લઇ શકાય છે. આ વિસ્તારમાં મુખ્યત્વે હિન્દુ કુંકણા અને ઘોડિયા જ્ઞાતિના લોકો વસે છે જેની કુલ વસ્તી ૪૦૦૦ જેટલી છે.
પાનવા ગામના સરપંચ શકુંતલા પટેલ અને આંબાતલાટ ગામના સરપંચ ભગુભાઇ પટેલનાં જણાવ્યા પ્રમાણે આ નદી પુર્નજીવિત કરવાની ઝુંબેશના કારણે ગામની સુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન કરી પાણીનું સ્તર ઉંચુ આવશે. પાણીની તંગીની સમસ્યામાં ઘટાડો, પાણીના પ્રવાહના વેગમાં ઘટાડો અને માટીના ધોવાણ અટકશે અને પારંપરિક ખેતી પદ્ધતિમાં સુધારો થશે. મનરેગા હેઠળ રોજગારી મળવાથી રોજગારીનાં હેતુથી થતું સ્થળાંતર પણ અટકશે.
પાણીના તળ ઉંચા આવવાનાં લીધે હરિયાળીમાં વધારો થશે જેનાં લીધે માઇક્રો ક્લાઉડ ફોર્મેશન થકી સારો વરસાદ થશે. જેના પરિણામે ચોમાસા પછી પણ વેલાવાળા શાકભાજી, કંદમૂળ, બાગાયતી પાકો, વિગેરેના ઉત્પાદનથી આ વિસ્તારમાં આર્થિક સમુદ્ધિમાં વધારો થશે.