આ યોજના હેઠળ છેલ્લા ૫ વર્ષોંમાં ૨.૩૭ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી
ગાંધીનગર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત રાજ્યમાં કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમ શરૂ કર્યા હતા, જેને વર્તમાન રાજ્ય સરકાર સતત આગળ ધપાવી રહી છે. આ જ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ પરિવારની દીકરીઓના હિતમાં વર્ષ ૨૦૧૯ માં ‘વહાલી દીકરી યોજના’ લાગુ કરવામાં આવી હતી. ગુજરાતમાં ગરીબ પરિવારોમાં જન્મેલી દીકરીઓ માટે રાજ્ય સરકાર વહાલી દીકરી યોજના થકી પેરેલલ પેરેન્ટની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય સરકારે એવી અનોખી યોજના અમલમાં મૂકી છે, જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા માટે સરકારની મદદ મળી રહી છે. છેલ્લા ૫ વર્ષોમાં આ યોજના હેઠળ ૨.૩૭ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે.
વ્હાલી દીકરી યોજના વિશે વાત કરતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે દીકરીઓને સશક્ત બનાવવી ખૂબ જ જરૂરી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની દીકરીઓને સક્ષમ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. રાજ્યની દીકરીઓના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે હેઠળ ૨ લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ તમામ દીકરીઓને આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણથી માંડીને તેમના લગ્ન સુધીની આર્થિક સહાય મળશે. આ દીકરીઓ આવતીકાલનું ભવિષ્ય છે, જે વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપશે.”
દીકરીઓને જન્મથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધી સરકારી સહાય મળશે. ‘વહાલી દીકરી યોજના‘ એક એવી યોજના છે, જેનો લાભ આવતા વર્ષથી એટલે કે ૨૦૨૫-૨૬ થી મળવા લાગશે, કારણ કે યોજનાની જોગવાઈઓ એવી છે કે લાભાર્થી દીકરીઓ ધોરણ ૧ માં પ્રવેશ લીધા પછી જ લાભ મેળવવા પાત્ર બને છે. આ યોજનાની લાભાર્થી દીકરીઓને ૧૮ વર્ષની ઉંમર સુધી ૪ હજારથી લઈને ૧ લાખ રૂપિયા સુધીની સહાય મળશે.
જોગવાઈ કરતાં વધુ રકમની ફાળવણી
રાજ્ય સરકારે ઓગસ્ટ ૨૦૧૯માં સ્ત્રી ભ્રૂણ હત્યા અને બાળ લગ્ન અટકાવવા, કન્યા કેળવણી તેમજ સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સમાજમાં મહિલાઓને સન્માનજનક સ્થાન આપવાના ઉદ્દેશ્ય સાથે ‘વહાલી દીકરી યોજના’ શરૂ કરી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ, ગરીબ પરિવારોમાં ૨ ઓગસ્ટ, ૨૦૧૯ અથવા તે પછી જન્મેલી દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ૨૦૧૯ થી ૨૦૨૩-૨૪ દરમિયાન આ યોજના માટે કુલ ૪૬૦.૮૫ કરોડની જોગવાઈ કરી હતી, પરંતુ સરકારે અત્યાર સુધીમાં જોગવાઈ કરતાં વધુ એટલે કે ૪૯૪.૧૪ કરોડની ફાળવણી કરી છે.
દીકરીઓને ૪ હજારથી લઈને ૧ લાખ રૂપિયા સુધીની સહાય
‘વહાલી દીકરી યોજના’ એ એક વ્યાપક યોજના છે, જે હેઠળ રાજ્ય સરકાર ૨ લાખ રૂપિયા કે તેથી ઓછી ર્વાષિક આવક ધરાવતા પરિવારોની દીકરીઓ માટે તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધી ‘પેરેલલ પેરેન્ટ’ની ભૂમિકા ભજવશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ ૧માં પ્રવેશ સમયે ૪,૦૦૦, ધોરણ ૯માં પ્રવેશ સમયે ૬,૦૦૦ અને ૧૮ વર્ષની વયે પહોંચતી વખતે ૧ લાખની સહાય આપશે. આ સમયગાળા દરમિયાન, જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય, તો રાજ્ય સરકાર તેની પુત્રીને ૧૦,૦૦૦ની વધારાની વીમા રકમ પ્રદાન કરશે.
અત્યાર સુધીમાં ૨.૩૭ લાખથી વધુ દીકરીઓની નોંધણી થઈ છે
‘વહાલી દીકરી યોજના’ લાગુ થયેથી માર્ચ ૨૦૨૪ સુધીમાં ગરીબ પરિવારોની ૨ લાખ ૩૭ હજાર ૧૨ થી વધુ દીકરીઓનું રજીસ્ટ્રેશન થયું છે. તેમાંથી વર્ષ ૨૦૧૯-૨૦માં નોંધાયેલ ૧૨ હજાર ૬૨૨ દીકરીઓને આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં જ્યારે તેઓ ધોરણ ૧માં પ્રવેશ લેશે ત્યારે યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે ૪૦૦૦ રૂપિયા આપવામાં આવશે. યોજનાની શરૂઆતથી, લાભાર્થી દીકરીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે, જેમાં વર્ષ ૨૦૨૦-૨૧માં આ સંખ્યા વધીને ૪૪ હજાર ૬૬૪, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧ લાખ ૧૪ હજાર ૫૬૭, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧ લાખ ૭૦ હજાર થઈ અને વર્ષ ૨૦૨૩-૨૪ (માર્ચ-૨૦૨૪ સુધીમાં) આ સંખ્યા વધીને કુલ ૨ લાખ ૩૭ હજાર ૧૨ થઈ ગઈ છે. આ તમામ દીકરીઓને રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ ધોરણ ૧, ધોરણ ૯માં પ્રવેશ માટે અને ૧૮ વર્ષની ઉંમર પછી ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન પ્રસંગે આર્થિક સહાય મળશે.
મહત્તમ ૩ બાળકો માટે જ લાભ મળશે
‘વહાલી દીકરી યોજના’ દ્વારા, રાજ્ય સરકાર ૨ લાખ રૂપિયા કે તેથી ઓછી ર્વાષિક આવક ધરાવતા ગરીબ પરિવારોની દીકરીઓને શિક્ષણ અને લગ્ન માટે મદદ કરે છે, પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓ જ મેળવી શકે છે જેમને વધુમાં વધુ ૩ બાળકો હોય. દંપતીના ૩ બાળકોમાં એક, બે અથવા ત્રણેય પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકાશે, આ જોગવાઈ દ્વારા સરકારે વસ્તી નિયંત્રણને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે.
LIC ફંડ મેનેજમેન્ટ એજન્સી છે
જ્યારે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૯ માં ‘વહાલી દીકરી યોજના’ શરૂ કરી, ત્યારે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને ફંડ મેનેજમેન્ટ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે યોજનાના અમલીકરણ અને લાભાર્થીઓને સહાયની રકમના વિતરણ માટે એલઆઈસી સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત રાજ્ય સરકાર લાભાર્થીની નોંધણી બાદ એલઆઈસીને દર વર્ષે લાભાર્થી દીઠ ૮,૧૦૦ના પાંચ હપ્તામાં કુલ ૮૧,૫૦૦ આપશે. આ કરાર હેઠળ, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ (માર્ચ-૨૦૨૪) સુધી એલઆઈસીને કુલ ૪૯૧ કરોડ ચૂકવ્યા છે, જ્યારે તે પછી અન્ય ૬૩.૦૯ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આમ, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં LICને અંદાજિત ૫૪૪.૦૯ કરોડ ચૂકવ્યા છે.