હું નાનો હતો ત્યારે શાળામાં એક ગીત ગાતા : ‘મને મારુ ગોકુળ યાદ બહુ આવે.!’ મૂળ તો કૃષ્ણ ભક્તિનું એ ગીત હતું. ગોકુળ છોડીને ગયેલા ગોવિંદને ગોકુળ કેવું અને કેટલુ યાદ આવે છે એ ભાવથી ભરપૂર એ ગીત છે. પણ મને અત્યારે એ ગીતની લાઈનમાં ફેરફાર કરવાનું મન થાય કે : મને મારા મિત્રો યાદ બહુ આવે.!
હા, મને મારા મિત્રો યાદ આવે છે. જગતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે એ એના મિત્રોને ભૂલી શકે અને જો મિત્રો ભુલાઈ જાય તો સમજવું કે આપણી મિત્રતામાં કંઈક ખામી હતી, કારણકે મિત્રતા એક એવો સંબંધ છે કે જે કંઈ પણ અપેક્ષા વગર બંધાયો હોય છે. હેતુ વિનાના હેત કરનાર વ્યક્તિઓમાં પહેલું નામ મિત્રનું આવે.
જેની સાથે બેસીને કલાકો સુધી ગપ્પા માર્યા હોય એને કેવી રીતે ભૂલી શકાય…!?
જેની સાથે કોણ સૌથી વધુ પાણીપુરી ખાઈ શકે છે એવી સ્પર્ધામાં ઉતર્યા હોય એને કેવી રીતે ભૂલી શકાય…!?
આપણને દુઃખી જોઈને એવું કહે કે, “આ તો તારા રોજના નાટક છે ! ચાલ ને હવે ચા પીવા.! એમ કહી અડધી ચા સાથે આપણું આખું દુઃખ દૂર કરનારને કેમ ભૂલી શકાય..!?
એક બાઇકમાં ત્રણ સવારી બેસીને પણ મોકળાશ અનુભવી શકાય એવા સંબંધને કેમ ભૂલી શકાય.!?
‘તારી ભાભી’ ને ‘મારી ભાભી’ની વાતો કરતા કરતા લડી પડતા હોય એને કેમ ભૂલી શકાય.!?
અરે આપણો ચહેરો જોઈને સમસ્યા કળી જતા હોય એને કેમ ભૂલી શકાય..!?
જેની હાજરીમાં આપણે દરેક દુઃખ ભુલી જતા હોય એને કેમ ભૂલી શકાય..!?
મિત્રને ભૂલવા માટે કદાચ એની એકાદ ભૂલ આપણે ધ્યાનમાં લઇ શકીએ પણ એને ન ભુલવા માટેની વાતોનું લિસ્ટ તો ખૂબ લાબું થાય. જે વ્યક્તિની સાથે આપણે મુક્ત મને જીવી શકતા હોય એને કેમ ભૂલી શકાય..!?
ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે,
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે
કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ના આ મુક્તકમાં મને સમગ્ર મિત્રતાનો સાર દેખાય છે. આ ચાર લાઈન મિત્રતાના ચાર વેદ જેવી મને લાગે છે. જેવી રીતે ઓરડાની અંદર એક સારું ચિત્ર હોય તો આખા ઓરડાની રોનક બદલાઈ જાય છે, એમ જીવનમાં અમુક મિત્રો હોય તો આખી જિંદગીની રોનક બદલાઈ જાય છે. સારા મિત્રોની સોબતમાં જીવનની દશા અને દિશા બન્ને બદલાઈ જાય છે. મિત્રતાના કોઈ માપદંડ નથી હોતા. એમ ઊંચ-નીચના કોઈ ભેદ નથી હોતા. મિત્રતા માટેની એક પૂર્વશરત છે અને એ છે નિસ્વાર્થ પ્રેમથી છલોછલ ભરેલ હૃદય.બસ બીજું શું જોઈએ.!
મિત્ર અને મિત્રતા એ શાબ્દિક વ્યાખ્યાઓથી પરનો વિષય છે.મિત્રતા એ હવા જેવી છે.હવાને આપણે જોઈ નથી શકતા,સ્પર્શી નથી શકતા પણ માત્ર અનુભવી શકીએ છીએ. એમ મિત્રતા પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી પરનો અનુભૂતિનો વિષય છે. જેમ હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે એની જેમ મિત્રતા પણ સુખ-દુઃખ, હાસ્ય-આંસુનું મિશ્રણ છે.
મિત્રતા એ લાગણીના બધા રસ ભેગા મળીને બનતો એક છપ્પન ભોગ છે.
હવેની યુગપત્રીમાં મારે વાત કરવી છે બૉલીવુડ ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વિટીના એક સરસ મજાના ગીત તેરા યાર હું મે! એના વિશે.ગીતકાર કુમારની કલમે લખાયેલું અને અરિજિત સિંહના કંઠે ગવાયેલા આ ગીતમાં મૈત્રીની સુગંધ આવે છે. આ ગીતના શબ્દો અને ગાયકનો ભાવ આપણને એક અલગ જ અનુભૂતિ કરાવે છે.અરિજિત સિંહના ગળામાં કુદરતે કાંઈક અલગ જ સુર મુક્યા હોય એવું લાગે છે, કારણકે કોઈપણ ગીત હોય લવ, રોમાન્સ, સૂફી, સેડ, રોક વગેરે ગમે તે ગીતને આ ગાયક સરસ ન્યાય અને ભાવ આપી શકે છે.
તો તમે બધા આવતા શુક્રવાર સુધીમાં આ ગીત તેરા યાર હું મે! એ સાંભળી લ્યો ત્યાર પછી આપણે માણીએ… મૈત્રીના રંગ, યુગપત્રીને સંગ….
કોલમિસ્ટઃ- યુગ અગ્રાવત