સુભાષબિજ સર્કલ પાસે આવેલા પુરુષોતમનગરમાં અંદાજે ૫૦ વર્ષ પૂર્વે વેચેલી ૨૭,૦૭૪ ચોરસ વાર જમીનમાંથી રિવરફન્ટ સાઈડ આવેલા ગાર્ડનની ૬ હજાર ચોરસ વાર જમીનનો ખોટી રીતે દસ્તાવેજ કરી દેતાં હોબાળો મચી ગયો છે. પુરુષોતમનગરમાં આવેલા મહેશ્વરી, મનમોહન અને મહાપ્રકાશ મળી ત્રણ અલગ ફલેટમાં કુલ ૪૪૧ મકાનોની રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં ફરીવાર ટાઇટલ કલિયર કરાવતા ભાંડો ફુટયો હતો. ભાંડો ફુટતા હવે રિડેવલપમેન્ટની પ્રક્રિયા ઘોંચમાં પડી જતાં સભ્યોના માંથે આભ તુટી પડયું છે.
વર્ષ ૨૦૨૨માં ખોટા પુરાવા ઊભા કરીને રુપિયા ૬ કરોડથી વધુની રકમનો દસ્તાવેજ કેવી રીતે કરાયો ? તેનાથી સોસાયાટીના સભ્યો પણ અજાણ છે. હવે જમીન કલિયર કરાવવા સોસાયટીના આગેવાનો દોડાદોડ કરી રહ્યા છે. આ અંગે જિલ્લા કલેકટર સહિત વિવિધ સરકારી તંત્ર અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી છે. સોસાયટીના સભ્યોએ કહ્યું કે, કે, પુરુષોતમનગરના ફાઈનલ પ્લોટ નંબર-૫૭૨માં આવેલા ત્રણ ફલેટોમાંથી ૨૦૪ મકાનો મહેશ્વરી, ૧૪૪ મકાનો મનમોહન અને ૯૩ મકાનો મહાપ્રકાશ ફલેટમાં આવેલા છે. કુલ ૪૪૧ મકાનોમાંથી મોટાભાગના મકાનો જર્જરીત હાલતમાં છે. સોસાયટી ઊભી કરનાર અગાઉના ડેવલપર્સના કર્મચારીઓએ કહ્યું કે, આ જમીન ૫૦ વર્ષ પહેલા જિતેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ સહિત નવ ભાઈઓના નામે હતી. નવ ભાઈઓ પાસેથી પરષોતમનગરના નામે જમીન ખરીદીને તેને ત્રણ ભાગમાં ડેવલપર્સ દ્વારા ડેવલપ કરાઈ હતી. આ પછી વર્ષ ૧૯૭૫માં જિલ્લા સબરજિસ્ટાર કચેરીમાં પુરુષોતમનગર સોસાયટીના નામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે પણ સમગ્ર જમીન કલિયર હતી. સોસાયટીના અગ્રણીઓએ કહ્યું કે, વર્ષ ૨૦૨૨માં કુલ ૨૭,૦૭૪ ચો.મી. વાર જમીનમાંથી રિવરફન્ટ સાઈ ડના ગાર્ડનની છ હજાર ચોરસ વાર જમીન કોઈના નામે કરાઈ દીધી હોવાનું બહાર આવતા સોસાયટી અને હાલના ડેવલપર્સ ચોકી ઉઠયા હતાં.
દસ્તાવેજની કારીગરીમાં સોસાયટીના કેટલાક આગેવાનોનો સ્વાર્થ હોવાનો પણ કેટલાક સભ્યોએ આક્ષેપ કર્યો છે. હાલ સોસાયટીના રિડેવલપમેન્ટ માટે તમામ સભ્યો તૈયાર છે, ત્યારે છ હજાર ચોરસ વાર જમીનનો દસ્તાવેજ થઈ જતાં સોસાયટીના લોકો રઝળી પડયા છે. રિવરફ્રન્ટ સાઇડના ગાર્ડનની છ હજાર ચોરસ વાર જમીન માટે હજી રરુપિયા ૧૩ લાખની આસપાસ બેટરમેન્ટ ચાર્જ બાકી છે. આ ચાર્જ ભર્યાથી ઉક્ત જમીન સોસાસયટીના નામે થઈ શકતી હતી.