સુરત:- સુરત પાંડેસરા વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યકિતએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું કે એક મહિલાને તેના પતિએ ઢોર માર મારીને ઘરની બહાર કાઢી મૂકી છે. કોલ મળતાની સાથે ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત રેસ્કયુવાને તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોચીને આ મહિલાને શોધી કાઢી હતી.
અભયમ ટીમે મહિલાના હમદર્દ બની પૂછપરછ કરતા એવી વિગત જાણવા મળી કે, રમીલાબેન બોરડ નામની આ મહિલાના લગ્ન આજથી ૨૫ વર્ષ પહેલા થયા હતા અને આજીવિકા માટે તે પોતાના પતિ સાથે સુરતના પાંડેસરાના બમરોલી વિસ્તારમાં સ્થાયી થયા હતા. સંતાનમાં ત્રણ પુત્રની માતા આ મહિલાનો પતિ રામજીભાઈ તેમના લગ્નજીવનના શરૂઆતના વર્ષોમાં થોડુ ઘણું કમાતો હતો. સમય જતા વ્યસનની ખરાબ લતે ચડી જતાં ઘરની કોઈ જવાબદારી નિભાવતો ન હતો. અને જે પણ કમાતો તે વેડફી નાખતો હતો. આવા સંજોગોમાં પરિવારનું પાલન પોષણ કરવું તેના માટે દુષ્કર બની ગયું હતું. પરંતુ નાસીપાસ થયા વિના તે એક ફેક્ટરીમાં કામ કરી મહા-મહેનતે ગુજરાન ચલાવતાં હતા.
રામજીભાઈ રમીલાબેનને અવારનવાર પૈસાની માંગણી કરીને મારઝૂડ કરતો હતો. પોતાના દિકરા નાની ઉમરના હોઈ, મોટા થઈને આ દુઃખના દિવસો દૂર કરશે અને ભવિષ્યમાં સૌ સારા-વાના થશે એવી આશામાં છેલ્લા ૧૨ વર્ષથી રમીલાબેન મૂંગા મોઢે પતિની યાતના સહન કરતી હતી.
એક દિવસે નાની વાતમાં રામજીભાઈએ પત્નીને ઉશ્કેરાટમાં લોખંડની સાણસીથી ખૂબ માર માર્યો. જેથી તેમને મોં અને હાથ પર લોહીના સોળ ઉપસી આવ્યા હતા. આ માર ઓછો પડ્યો હોય તેમ તેના ક્રૂર પતિએ બાળકોની પરવા કર્યા વિના તેને રાત્રિના સમયે જ ઘરમાંથી કાઢી મૂક્યા.
૧૮૧ અભયમની રેસ્ક્યુ વાને જયારે આ મહિલાનો પત્તો મેળવ્યો ત્યારે તે ખૂબ નાજૂક સ્થિતિમાં અર્ધબેભાન અવસ્થામાં હતી. મોંમાંથી લોહી પણ નીકળતું હતું. ત્યારબાદ અભયમ ટીમ મહિલાના ઘરે પહોંચી ત્યારે પતિએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. આ પરીસ્થિતિમાં ફરજ પરના કાઉન્સેલર સ્વાતિબેન ચૌધરીએ તાત્કાલિક પી.સી.આર. વાન અને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી બન્નેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સમયસર સારવાર મળી જતા પતિ-પત્ની બંનેનું આરોગ્ય સુધારા પર છે.
૧૮૧ મહિલાને પતિની મારઝૂડથી છુટકારો અને ન્યાય અપાવવા શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ પતિ રામજીભાઈ સામે પોલિસ ફરિયાદ નોંધાવી છે.