હું એક એવી ગુજરાતી નાર છું જેનો જન્મ ગુજરાતની બર્થ ડે ના દિવસે જ છે. સમજી લોને કે હું ને ગુજરાત સાથે જ ઉછર્યા. મારી બાળપણની એ હોનારત યાદ છે જ્યારે હું અહીં ટાંકીમાં પડી ગઈ હતી…મેં બહુ બૂમો પાડી’તી, પણ ત્યારે ખબર પડી કે આખુ ગુજરાત પાણીની હોનારતની બૂમો પાડી રહ્યું હતુ કેમકે મચ્છુ ડેમ તૂટયો હતો…જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ગુજરાત પણ મારી સાથે વિકસતુ ગયુ….હું ચણિયાચોળીથી સાડી અને સલવારસુટ પહેરતી થઈ અને ગુજરાતની કાચી સડકો પણ ડામર અને આરસીસી રોડવાળી બનતી ગઈ. હવે હું મોટા ચાંદલાની સાથે ગોગલ્સ પણ પહેરું છું કેમકે મારા ગુજરાતનાં રસ્તાઓ પર એલઈડી લાઈટો વધી ગઈ છે… સંસ્કાર એવા મળ્યા’તા કે કોઈ આંગણીયા પૂછીને આવે તો આવકારો મીઠો આપજે એટલે આજે પણ વાઈબ્રન્ટ ગુજરાતમાં એટલા વિદેશીઓ આવે છે કે પૂછો નહીં…આવકારો આપવા ઘરનાં વડીલ કે મોભી આગળ ઉભા રહીને નોતરે અને ઘરની ખાસિયતો જણાવે …તેવી જ રીતે મારા ગુજરાતમાં અમિતાભ બચ્ચન સમગ્ર દેશવાસીઓ અને વિદેશીઓને ગુજરાતની એક એક વસ્તુની ઝાંખી કરાવીને કહે છે કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં… જે લોકો મારી હાંસી ઉડાવતા હતા કે શાકભાજીની સાથે લીમડો મફત માગે છે તેઓ આજે મારી તે જ બચતની ટેવથી વધારેલા ઉદ્યોગોથી અંજાઈ ગયા છે. વેપાર મારી આવડત હતી, મારા ઘણાં પાડોશીઓએ ઈનસિક્યોરીટીમાં મારો રસ્તો રોક્યો પણ આજે એ લોકો મારા માટે જાજમ પાથરે છે. તેવી જ રીતે મારા દેશના મોભીને પણ આજે અમેરીકા લાલ જાજમ પાથરીને આવકારે છે. બસ મારી વાતો કરવા બેસીસ તો વાણલાં વાઈ જશે…એટલુ જ કહીશ કે, હું નથી માનતી કે ૫૭ -૫૮ વર્ષની ઉંમરે હું ઘરડી થઈ ગઈ…બસ મારો અનુભવ અને વિકાસ વધ્યો છે. તમે શું કહો છો…?
લિ. એક પરીપકવ ગુજરાતણ (હેપ્પી બર્થ ડે ટુ મી એન્ડ માય ગુજરાત)