અમદાવાદ: 2024માં નવી ઉંચાઈઓ સર કરવા તૈયાર, કેરલા ટુરિઝમે ઘરેલુ પ્રવાસીઓની સંખ્યા વધારવા માટેની પોતાની આક્રમક ઝુંબેશના ભાગરૂપે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં રાજ્યના ટોચના પર્યટન સ્થળોને સાંકળતા હેલી-ટુરિઝમ સહિતની નવી પ્રોડક્ટ્સ પરથી પડદો ઉઠાવ્યો હતો. કેરલાના પ્રવાસન મંત્રી શ્રી પી. એ. મોહમ્મદ રિયાસે જણાવ્યું હતું કે, ‘સ્કાય એસ્કેપ્સ’ તરીકે બ્રાન્ડ કરાયેલા હેલી ટુરિઝમ પ્રોજેક્ટને એવી જ રીતે ગેમ ચેન્જર તરીકે આયોજિત કરાયો છે, જેવી રીતે ત્રણ દાયકા અગાઉ હાઉસબોટ્સે રાજ્યના પર્યટન માટે કામ કર્યું હતું. આવી રીતે કેરલા ભારત અને વિદેશ બંનેના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષતું રહેશે.
શ્રી રિયાસે વધુમાં જણાવ્યું હતું કે, “કેરલાવિસ્તૃત હેલી-ટુરિઝમ પોલિસી બહાર પાડનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. હેલિકોપ્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતા ટ્રાવેલ પેકેજની વિગતો સાથેની માઈક્રો સાઈટ પણ તૈયાર કરવામાં આવી છે. એક જ ટ્રિપમાં જુદા જુદાસ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરતા પર્યટકો માટે આ પહેલ મોટા પાયે મદદરૂપ બનશે, જેનાથી રાજ્ય આંતરિક રીતે જોડાયેલું ટુરિઝમ હોટસ્પોટ બનશે.”
પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,“નવા વર્ષે અમે રાજ્યમાં ઘરેલુ પર્યટકોની હાજરીને વધારવા માટે આક્રમક માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરી છે. કેરલા ટુરિઝમની ઝુંબેશ- મેક અપ ફોર લોસ્ટ ટાઈમ, પેક અપ ફોર કેરલાને તેની નવીન પ્રચાર-પ્રસારની પહેલના બહોળા સમર્થન માટે પ્રતિષ્ઠિતPATA ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો હતો.”
કેરલાને ગ્લોબલ એડવેન્ચર ટુરિઝમના નકશા પર મૂકવાના લક્ષ્યાંક સાથે સરકારે આ વર્ષે ચાર ઈન્ટરનેશનલ એડવેન્ચર સ્પોર્ટિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે, તેમ પર્યટન મંત્રી શ્રી રિયાઝે જણાવ્યું હતું. 2032 સુધી દુનિયાભરમાં એડવેન્ચર ટુરિઝમ 20 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા હતી. ઘરેલુ ટુરિઝમની વૃદ્ધિમાં પણ તેની ઘણી મોટી ભૂમિકા રહી છે. રાજ્યની ભૂગોળમાં પર્વતો, નદીઓ, બીચ અને કેનાલનું પડકારજનક મિશ્રણ હોવાથી એડવેન્ચર ટુરિઝમની મોટી ઈવેન્ટ્સ માટે પણ તૈયારીઓ કરાઈ છે, જે આ સેગમેન્ટ માટે મોટા પાયા પર સંભાવનાઓ પૂરી પાડે છે, તેમ પર્યટન મંત્રીએ જણાવ્યું હતું.
14થી 17 માર્ચ સુધી ઈડુક્કીના વેગામોનમાં ઈન્ટરનેશનલ પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલ, 29થી 31 માર્ચ સુધી વરકલામાં ઈન્ટરનેશનલ સર્ફિંગ ફેસ્ટિવલ, 26થી 28 એપ્રિલ સુધી વાયનાડના મનંથવાડીના પ્રિયદર્શિની ટી પ્લાન્ટેશન ખાતે મેગા માઉન્ટેન બાઈકિંગ ઈવેન્ટ, MTB કેરલા 2024 અને 25થી 28 જુલાઈ સુધી કોઝિકોડના કોડેનચેરી ખાતે માલાબાર રિવર ફેસ્ટિવલ 2024 યોજાશે. રાજ્યને આદર્શ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે પ્રોત્સાહન આપવા માટે પણ કેરલા ટુરિઝમ સઘન પ્રયાસો કરી રહ્યું છે, આ માટે રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય, મનોરમ્ય સ્થળો, રહેવા માટેની અને બેન્ક્વેટની ઉત્કૃષ્ટ વ્યવસ્થા તેમજ કનેક્ટિવિટીની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવશે. તાજેતરના ટ્રેન્ડ જોઈએ તો રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં ડેસ્ટિનેશન વેડિંગ યોજાઈ રહ્યા છે. પામના લહેરાતા વૃક્ષોની સજાવટ સાથેના કેરલના શાંત બેકવોટર્સ, સ્વચ્છ બીચ, ચા અને ગરમ મસાલાના ફેલાયેલા બગીચા સાથેના રહસ્યમય પર્વતીય સ્થળો- લગ્નગ્રંથિથી જોડાઈ રહેલા યુગલ તેમજ હનીમૂનનું આયોજન કરતા નવવિવાહિત યુગલો માટે કેરલાને આકર્ષક સ્થળ બનાવે છે.
પ્રવાસન સચિવ શ્રી કે બિજુ (IAS)એ જણાવ્યું હતું કે, “સરકાર ડેસ્ટિનેશન વેડિંગ્સ માટે યોગ્ય વાતાવરણનું સર્જન કરવા, દુનિયાભરમાંથી યુગલોને આકર્ષવા માટે તેમજ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે.” પ્રવાસન સચિવે વધુમાં જણાવ્યું હતું કે, કેરલામાં જાન્યુઆરી-સપ્ટેમ્બર 2023 દરમિયાન દેશમાંથી જ 159.69 લાખ મુલાકાતીઓ આવ્યા છે, જે 19.34 ટકાની આકર્ષક વૃદ્ધિ દર્શાવે છે. આ બાબત અમારી નવીન ટુરિઝમ પહેલની સાક્ષી છે, જે રાજ્યને ફક્ત સલામત અને યજમાનીને લાયક સ્થળ જ નથી બનાવતું, પણ તમામ સીઝન માટેનું હોલિડે પેરેડાઈઝ પણ બનાવે છે. “રોમાંચ અને અનુભવજન્ય પ્રવૃત્તિઓ ઈચ્છતા યુવા વેકેશનર્સને આકર્ષવા માટે અમે રાજ્યમાં એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવાના પ્રયાસ પણ કરી રહ્યા છીએ. કેરળના કુદરતી ખજાનાની આસપાસ કેન્દ્રિત ઈકો એડવેન્ચર ટૂર પેકેજને પણ યુવા પ્રવાસીઓના રોમાંચકારી અનુભવ માટેની વિસ્તૃત વ્યૂહરચનાના ભાગરૂપે તૈયાર કરવામાં આવ્યા છે.” તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું.
ટુરિઝમ ડિરેક્ટર શ્રી પી બી નૂહ (IAS)એ જણાવ્યું હતું કે, કેરલા ટુરિઝમની નવી વ્યૂહરચના નવા ડેસ્ટિનેશનની રજૂઆત, નવીનતા સાથેની ટુરિઝમ સર્કિટના સર્જન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણ, ક્ષમતા નિર્માણના પ્રોજેક્ટસ તેમજ પ્રવાસીઓને ગ્રામ્ય જીવનનો અનુભવ કરાવતી એવોર્ડ વિજેતા રિસ્પોન્સિબલ ટુરિઝમ (RT) પહેલ અને વધુ સારી કનેક્ટિવિટીને સુનિશ્વિત કરવા પર ભાર મૂકે છે. બહોળા વર્ગ સુધી નવી પ્રોડક્ટ્સને લઈ જવા માટે કેરલા ટુરિઝમ વેપાર મેળામાં ભાગ લઈને તેમજ B2Bપાર્ટનરશીપ બેઠકો (રોડશો)નું આયોજન કરીને જાન્યુઆરી-માર્ચમાં ભારતના જાણીતા શહેરોમાં ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગની પ્રવૃત્તિઓની શ્રૃંખલાનું આયોજન કરશે. જેમાં ચંદીગઢ અને દિલ્લીમાં ગયા મહિને અને ભોપાલ તેમજ લખનૌમાં આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી પાર્ટનરશીપ મીટ્સનો સમાવેશ થાય છે. માર્ચમાં હૈદરાબાદમાં B2B બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેરલાના પ્રવાસ માટે ઓક્ટોબરથી માર્ચને શ્રેષ્ઠ સમય ગણાવતા શ્રી પી બી નૂહે જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટકો માટે હાઉસબોટ્સ, કેરેવાનમાં રોકાણ, બગીચાની મુલાકાત, જંગલ લોજ, હોમસ્ટે, આયુર્વેદ આધારિત વેલનેસ સોલ્યુશન્સ, એડવેન્ચરની પ્રવૃત્તિઓ તેમજ હરિયાળી સાથેની પહાડીઓ પર ટ્રેકિંગ સહિતની કન્ટ્રી સાઈડ વોકનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “નવા પ્રોજેક્ટ્સની સાથે બીચ, હિલ સ્ટેશન્સ, હાઉસબોટ્સ અને બેકવૉટર સેગમેન્ટ પ્રવાસીઓના અનુભવમાં વધારો કરશે. એડવેન્ચર, વેલનેસ અને જવાબદાર પર્યટનને ઉદ્દેશ્ય અને જોશ સાથે વધુ આગળ ધપાવવામાં આવશે.