ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં શ્રી રામમય માહોલ બન્યો છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમએ મંગળવાર તારીખ 20 ફેબ્રુઆરીના રોજ જામનગરથી સ્પેશિયલ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવીને અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે આ ટ્રેનમાં દેવભૂમિ દ્વારકાથી 400 અને જામનગર શહેર અને જિલ્લામાંથી 940થી વધુ શ્રી રામ ભક્તો અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનમાં 166 રામ ભક્તો દ્વારકા, ઓખા, કલ્યાણપુર અને રાવલ તથા 234 લોકો ખંભાળિયા, ભાણવડ અને સલાયાથી જોડાયા હતા. આ ઉપરાંત આ ટ્રેનમાં જામનગર રેલવે સ્ટેશનથી જામનગર પંથકના 940થી વધુ રામ ભક્તો સહભાગી થયા હતા.
મહત્વનું છે કે ગુરુવાર તા. 22 ફેબ્રુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક માસ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે જ આ તમામ શ્રી રામ ભક્તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવાનો લાહ્વો પ્રાપ્ત કરી રહ્યા છે. જેને લઈને અયોધ્યા દર્શન કરવા જતા આ તમામ રામ ભક્તોનું સ્વાગત કરવા માટે જુદા જુદા રેલ્વે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.સાસંદ પૂનમ માડમએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આ કાર્ય તમામ રામભક્તોની આસ્થા, મહેનત, અવાજ અને સંધર્ષને લીધે શક્ય થયું છે તથા તેઓને આ યાત્રા થકી પ્રભુ શ્રી રામના દર્શનની તક મળશે અને એજ દિશામાં જામનગર સંસદીય ક્ષેત્રમાંથી લગભગ 450થી વધારે રામભક્તોને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. આ અવસર પર અનેક રામ ભક્તોની આંખોમાં આશું અને ચહેરા પર અનેરો ભાવ હતો. તેમની આ ઉર્જા અને આસ્થાના આપણે સૌ સાક્ષી છીએ. રામભક્તોએ આજ ભાવ સાથે પ્રધાનમંત્રીશ્રી ને પણ આશીર્વાદ આપ્યા હતા અને રાષ્ટ્રને વિકસિત ભારત તરફ આગળ વધારવા માટે પ્રધાનમંત્રી મોદીને શભેચ્છાઓ પાઠવી હતી.
આ ખાસ અવસર પર સાંસદ પૂનમ માડમએ રામભક્તોને ફૂલહાર પહેરાવીને તેઓનું મો મીઠું કરાવ્યું હતું. તથા રામજીના સુખદ અને મંગલમય દર્શન કરવા જતા રામભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ શુભ અવસરના સાક્ષી બનતા સાંસદ પૂનમ માડમે ખંભાળીયાથી જામનગર સુધી રામ ભક્તો સાથે ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી. જેને લઈને પૂનમ માડમ સહિત તમામ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.