આ રહ્યાં પાંચ કારણો.. જે ફિલ્મ કસૂંબોને બનાવે છે મસ્ટ વોચ મૂવી
અમદાવાદઃ ગુજરાતી સિનેમામાં હાલ એવી અનેક ફિલ્મો બની રહી છે, જે ગુજરાતી દર્શકોને થિયેટર સુધી દોરી લાવે છે. આમતો, દોઢેક દાયકા પહેલા ગુજરાતી ફિલ્મોના નવા અધ્યાય બાદ રૂરલ અને અર્બન ગુજરાતી સિનેમા એમ બે પ્રકારે દર્શકોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. પરંતુ, આ બે પ્રકારના દર્શકવર્ગને એક જ સાથે આકર્ષી શકે તેવી ફિલ્મો હવે નિર્માણ પામી રહી છે, તે ગુજરાતી સિનેમાના નવા યુગના એંધાણ આપે છે. આવી જ એક ફિલ્મ 16 ફેબ્રુઆરીએ થિયેટરમાં રીલિઝ થઈ છે… જેનું નામ છે ‘કસૂંબો’. જેની વાર્તા વિમલકુમાર ધામીની ઐતિહાસિક નવલકથા અમર બલિદાન પરથી પ્રેરિત છે.
‘કસૂંબો’… આ શબ્દ ગુર્જર ભૂમિ ગુજરાતના ગરવા યુગની યાદ અપાવી જાય છે. પરંતુ આજે આ શબ્દની વાત નહીં કરતા આ ફિલ્મના એ કારણોને જાણીશું કે કેમ આ ફિલ્મ દરેક ગુજરાતી માટે મસ્ટ વૉચ મૂવી બને છે.
ફિલ્મની વાર્તાઃ
‘કસૂંબો’ ફિલ્મની વાર્તા વિમલકુમાર ધામીની ઐતિહાસિક નવલકથા અમર બલિદાન પરથી પ્રેરિત છે. શૌર્ય અને સમર્પણની કથા, ધર્મના રક્ષણ માટેની કથા.. અમર બલિદાનની કથા.. 51 વીર-વિરાંગનાઓના બલિદાનની વાર્તા છે ફિલ્મ ‘કસૂંબો’. અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાત આવ્યો ત્યારે સૌરાષ્ટ્રના પાલિતાણામાં જૈનોના પવિત્ર મંદિરો.. શેત્રુંજયને લૂંટવા માંગતો હતો. ત્યારે આદિપુર ગામના મુખી દાદુભા બારોટની આગેવાનીમાં બારોટ સમાજે આ પવિત્ર મંદિરોને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. ફિલ્મનો ક્લાઇમેક્સ અદભૂત છે, સદીઓ પહેલા બનેલી આ ઘટનાને લીલીછમ્મ બનાવી દે છે.
મહેનત અને જહેમતઃ
આગળ જેમ વાત કરી તેમ આ ફિલ્મ ગુજરાતી સિનેમાના નવા યુગના એંધાણ આપે છે, તેનું અનુસંધાન અહીં જાળવી રાખતા વાત કરીએ તો આમ કહેવા પાછળનું કારણ એ છે કે હવે ગુજરાતી ફિલ્મના નિર્માણ પાછળ ઘણી મહેનત અને જહેમત ઉઠાવવામાં આવે છે. પછી તે ક્થા વસ્તુ હોય કે સંવાદ હોય… ગીત, સંગીત હોય કે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક હોય, એડિટિંગ હોય કે વીએફએક્સ.. દરેકે દરેક પાસાની બારીકાઈથી ફિલ્મના અનુરૂપ ન્યાય આપવામાં આવે છે. કસૂંબો ફિલ્મમાં આ તમામ પાસાઓ પાછળની મહેનત દેખાઈ રહી છે. એક આખા ગામનો નકલી સેટ ઉભો કરી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મની ક્રિએટિવ અને આર્ટ ટીમ દ્વારા એવી રીતે સેટ તૈયાર કરાયો હતો કે થિયેટરમાં જોતા એ જાણે અસ્સલ ગામ જ લાગે.
ડિરેક્શનઃ
કેપ્ટન ઑફ ધ શીપ એટલે ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ આ ફિલ્મના સર્જન પાછળ જીવ રેડી દીધો છે. સ્વાભાવિક રીતે ફિલ્મની વાર્તા જ્યારે ઈતિહાસને વાગોળતી હોય ત્યારે ઘણી ઝીણવટ માંગી લે છે. જે તે સમયની વાર્તાને દર્શકો સમક્ષ રજૂ કરતા પહેલા પહેરવેશ, ડેલા-મકાન, મંદિરો જેવી દરેક બાબતને ચોકસાઈપૂર્વક રજૂ કરવામાં આવી છે. ડિરેક્શનમાં વિજયગીરી બાવા તેમજ સ્ક્રિનપ્લે અને ડાયલોગ્સમાં અને રામ મોરીની કલમે કમાલ કરી છે.
કલાકાર-કસબીઓનો કાફલોઃ
આ ફિલ્મમાં દરેક કલાકારે પોતાના અભિનય થકી પોતાના પાત્રોને જીવંત બનાવ્યા છે. ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રૌનક કામદાર, શ્રદ્ધા ડાંગર, એમ મોનલ ગજ્જર, ચેતન ધાનાણી, ફિરોજ ઈરાની, રાગી જાની, કલ્પના ગાગડેકર સહિત આશરે 100 જેટલા કલાકારો આ ફિલ્મમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મની વાર્તા 13મી કે 14મી સદીની છે. આશરે 700 વર્ષ પહેલાની આ વાર્તાના પાત્રોને આજની પેઢીના કલાકારોએ બખૂબી રીતે રીતે નિભાવ્યા છે. કેટલાંક દ્રશ્યો તો દર્શક આ કથાના ભાગ બની જાય તેવી રીતે ફિલ્માવામાં આવ્યા છે. કલાકારો પાસેથી દિગ્દર્શકે ખૂબ જ બારીકાઈથી કામ લીધું છે. એટલે અહીં ફિલ્મમાં કોઈ અભિનેતા તે અભિનેત્રી નહીં પણ કલાકાર-કસબીઓ છે તેમ કહીએ તો અતિશયોક્તિ નહીં લાગે.
ગીત, સંગીતઃ
ખમકારે ખોડલ સહાય છે…, કસૂંબો…, સહિતના ફિલ્મના ગીતો હાલમાં લોકપ્રિય છે. ફિલ્મમાં ગીતો કથાની માંગ પ્રમાણે છે. રૂપેરી પડદે આ ગીતોને જોવા તે એક પોતાના પ્રકારનો આનંદ છે. ફિલ્મમાં મહિસાસૂર મર્દિની સ્ત્રોતની રૂંવાડા ઉભા કરી દે તે રીતે પ્રસ્તુતિ કરી દેવામાં આવી છે. અરવિંદ બારોટ, નિશા કાપડિયા, કિર્થી સાગઠિયા, ઐશ્વર્યા મજમૂદાર, શ્રૃતિ પાઠક, કાવ્યા લિમાયે, રૂષભ આહિર અને દેવ પગલીએ જેવા ગાયકોએ ગીતોને પોતાનો કંઠ આપ્યો છે. આ ગીતોના શબ્દોને જસવંત ગાંગાણી અને પાર્થ તરપરાની કલમે લખાયેલા છે.
દ્રશ્યોને વધુ સુસંગત બનાવવા માટે મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર મહત્વનું પાસુ હોય છે. મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મેહૂલ સુરતીએ ફરી સાબિત કરી દીધું છે કે ગીતને સંગીત સાથે મઢવામાં તેઓ માહેર છે.
અંતે…
ઉપર જણાવેલા કારણો તો છે જ પણ દરેક ગુજરાતીએ આ ફિલ્મ પરિવાર સાથે એટલા માટે જોવી જોઈએ કે આપણી હાલની પેઢી એ ઈતિહાસથી પરિચિત બને જ્યાં આપણા શૂરવીરોએ ધર્મની રક્ષા માટે પોતાનું રક્ત વહાવ્યું હતુ… બલિદાનો આપ્યા હતા….
શૌર્ય.. સમર્પણ… અને બલિદાનની ગાથા… ‘કસૂંબો’… ખમકારે ખોડલ સહાય છે…