૨૨ વર્ષની હતી લીલા…જ્યારે પરણીને આ ઘરમાં આવી. હજી તો ગૃહસ્થીનો પહેલો દસકો ચાલતો હતો ત્યાં મારા દીયર તેને છોડીને ચાલ્યા ગયા…અને એ દિવસથી હું તેની જેઠાણી મટીને બહેનપણી અને માતાનાં રોલમાં આવી ગઈ. એકલા હાથે તેણે બે છોકરા મોટા કર્યા. ભણી ગણીને પરણાવ્યા. એક વાક્યમાં આ આખી વાત કહેવાઈ ગઈ તે જીવતા તેને વીસ વર્ષ લાગ્યા અને તેમાં વીસહજાર સંઘર્ષ પણ કર્યા હશે, લોકો તે વાતને એક વાક્યમાં કહી જાણે છે કે બોલો કોઈના વગર પણ જીવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ લીલાબહેન છે.
હું લીલાના આ વીસ વર્ષની પળેપળની સાક્ષી છું એમ કહીએ તો ખોટુ નથી. તેના જીવનમાં આવેલી આ પહાડ જેવી મુસિબત પછી જે રીતે તે ઉભી થઈ અને આગળ વધી તે કાબિલ-એ- તારીફ છે. હજી તો પતિની ક્રિયા પૂર્ણ કરે દસ દિવસ પણ નહોતા થયા અને તેનાં બિઝનેસનો બધો ભાર પોતાના માથે લઈ લીધો અને દુકાન શરૂ કરી. આખા માર્કેટમાં તેને કોઈ ઉછીનો માલ આપવા તૈયાર નહોતુ. જેમતેમ કરીને દીકરી માટે બનાવી રાખેલા દાગીના વેચીને દુકાનમાં માલ ભર્યો. નાના ગામમાં એક સ્ત્રી કરિયાણાની દુકાન ચલાવે અને તેની પાસે વસ્તુ ખરીદવા જવી ઘણાં પુરુષોને ખટકતું હતું. ડેડસ્ટોક વધી રહ્યો હતો અને એક બાજુ છોકરાઓની ફી ભરવાનો સમય પાકી રહ્યો હતો. પૈસા ઉધાર માગવા ગઈ ત્યારે લાલાજીએ તેની પર નજર બગાડી હતી. અણછાજતી માંગણી કરી હતી. તે કેવી દોડતી દોડતી મારી પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રોઈ હતી તે મને હજી યાદ છે. તે હારી નહોતી બસ થાકી ગઈ હતી. તેણે નક્કી કર્યુ કે તે ડોર ટુ ડોર માર્કેટીંગ કરીને વધેલો માલ ભાવે ભાવ વેચીને રોકડા પાછા મેળવશે. સતત દસ દિવસ ગરમી અને તાપમાં ફરી ફરીને તેણે માલ વેચ્યો.
ધીમે ધીમે કમાણીની ગાડી આગળ વધી રહી હતી. સમાજનાં અગ્રણીઓએકાને ત્યાં બીજો રોડો નાખ્યો…લીલાનાં પુર્નવિવાહનો….જ્યારે લીલાનાં કાને આ વાત પડી ત્યારે તેના પર આભ ફાટી પડ્યું …તે હૈયાફાડ રૂદને બોલી હાય હાય ભાભી આ ઉંમરે બે છોકરા મૂકીને હું શું કામ પરણું..જો ખરેખર હું કુટુંબ પર બોજ લાગતી હઉં તો ગામ છોડીને પીયર જતી રહું…મા-બાપ વગરનાં પીયરમાં ભાભીએ પહેલા જ દિવસે અલગ ઘરની ચાવી આપી દીધી… ફરીથી એકડો ઘૂંટીને પાપડ અથાણાનો બિઝનેસ શરૂ કર્યો. તેની ઘણી બધી બ્રાન્ચ છે. સફળતા મેળવી ચૂકી છે. પણ એ લીલાએ જેટલો નાણાકીય સંઘર્ષ કર્યો તેના કરતાં વધારે તો માનસિક સંઘર્ષ કર્યો…એ કેટકેટલા દુશાસનનાં હાથમાંથી બચીને આજે સકસેસફુલ વુમન ઓફ ગુજરાતનો એવોર્ડ લેવા જઈ રહી છે. ત્યારે આ મંચ પર પુરુષો વિશે એટલુ જ કહેવા માંગે છે કે કાગળા બધે કાળા હોય છે પણ તમે તો પુરુષ છો ને…!