ગાઝા પટ્ટીના રાફામાં ઈઝરાયેલએ એર સ્ટ્રાઈક કરી, ૧૩ લોકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગાઝા પટ્ટી : ગાઝા પટ્ટીના રાફામાં મોડી રાત સુધી ઈઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની યુદ્ધવિરામની શરતોને નકારી કાઢ્યાના કલાકો બાદ આ હુમલાઓ થયા છે. પટ્ટીની અડધાથી વધુ વસ્તી રાફા ભાગી ગઈ છે, જે માનવીય સહાયતા પહોંચાડવા માટે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ પણ છે. મૃતકના મૃતદેહને કુવૈતની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલના કહ્યા મુજબ રાત્રી દરમિયાન થયેલા હુમલાઓમાં બે મહિલાઓ અને ૫ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે. છેલ્લા ૪ મહિના દરમિયાન ઈઝરાયેલના હવાઈ અને જમીની હુમલાઓમાં ૨૭૦૦૦થી વધુ પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે. વિસ્તારની મોટાભાગની વસ્તી ખોરાકની અછતનો ગંભીર રીતે સામનો કરી રહી છે. વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું છે કે હમાસ પર પૂર્ણ વિજય ના થાય ત્યાં સુધી હુમલાઓ ચાલુ રહેશે. જણાવી દઈએ કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે સંઘર્ષ વિરામ અને બંધકોને છોડવા સંબંધિત કરાર માટે હમાસની શરતોને નકારી કાઢી. નેતન્યાહુએ શરતોને ભ્રામક ગણાવી અને કહ્યું કે ગાઝા પર હમાસના નિયંત્રણને પૂર્ણ કરવા સુધી યુદ્ધ ચાલુ રહેશે. તેમને જીત સુધી હમાસની વિરૂદ્ધ યુદ્ધ લડવાનો સંકલ્પ લીધો. નેતન્યાહુએ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાતના તરત બાદ આ ટિપ્પણી કરી હતી. બ્લિંકન સંઘર્ષ વિરામ કરારની અપેક્ષામાં વિસ્તારની યાત્રા કરી રહ્યા છે. નેતન્યાહુએ કહ્યું કે હમાસની ભ્રામક માગણીની સામે આત્મસમર્પણ કરવાથી બંધકોને મુક્ત નહીં કરાવી શકાય પણ તે વધુ એક નરસંહારને આમંત્રિત કરશે. તેમને કહ્યું કે અમે પુરી રીતે જીત તરફ આગળ વધી રહ્યા છે.

Share This Article